Jai Hind

દ્વારકામાં પતિના અવસાન બાદ નિરાશ્રિત મહિલાને બાળકો સહિત પુન: આશ્રય અપાવતી પોલીસ

મહિલા સહાયતા કેન્દ્રના કર્મીઓએ મહિલાનું કાઉન્સેલીંગ કર્યું

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘરેલુ હિંસા અને અન્ય મનો સામાજિક સમસ્યાઓથી અસરગ્રસ્ત અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ગૃહ વિભાગના સંકલનમાં નિયત કરેલા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર) કાર્યરત છે. આ સેન્ટર પર તાલીમ પામેલા મહિલા કાઉન્સેલર દ્વારા કાઉન્સેલિંગની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.દેવભૂમિ દ્વારકામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. ચંદ્રેશકુમાર ભાંભીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર કાર્યરત છે. દ્વારકા પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તેમના પતિનું હાર્ટ એટેકના કારણે આશરે થોડા માસ પહેલા થયેલ અવસાન બાદ સાસરીપક્ષવાળાએ તેમના પતિનાં મકાન પર કબજો કરી લીધો હતો અને મકાન પરત સોંપતા ન હતાં. આ પરિસ્થિતિમાં આ મહિલા ચાર બાળકો સાથે પિયરમાં રહેતાં હતાં અને મકાનનો કબજો પરત મેળવવા માટે મહિલાએ દ્વારકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
પોલીસ સ્ટેશનમાં ફરજ પરના સ્ટાફ દ્વારા આ મહિલાને પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર ખાતે કાઉન્સેલિંગ અને માર્ગદર્શન માટે મોકલાયા હતા. મહિલાની મુશ્કેલી સાંભળ્યા બાદ સેન્ટરનાં કાઉન્સેલર નિકેતાબેન મીન અને કાજલબેન ગોસ્વામી દ્વારા બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. મહિલા પિયરમાં રહીને તેમના પર આશ્રિત બનવા ન માંગતા હોય અને બાળકો સાથે રહેવા માટે આશ્રયની જરૂરિયાત હોવાથી સાસરીપક્ષના સભ્યો તેમ જ ઘરના વડીલો સાથે મહિલાની મુશ્કેલી અંગે ચર્ચા કરવામાં આવી હતી અને તેના ચાર બાળકોના ભવિષ્યનો વિચાર કરી આશ્રયની વ્યવસ્થા કરવા અને પારીવારીક સમસ્યાનનો ઉકેલ આવે તથા સૌ શાંતિથી રહે એ માટે વાટાઘાટો કરવામાં આવી હતી.અંતે બંને કાઉન્સેલરના સફળ પ્રયાસથી બન્ને પક્ષો સંમત થતાં મહિલાની મુશ્કેલીનો અંત લાવવામાં સફળતા મળી હતી. મહિલા દ્વારા પોલીસ અને પોલીસ સ્ટેશનમાં કાર્યરત મહિલા સહાયતા કેન્દ્રના બન્ને કાઉન્સેલરનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કેસમાં સુખદ સમાધાન થતા મહિલાને પોતાનું મકાન પરત મળતા તેના બાળકોને રહેવા માટે આશ્રય મળવાથી મહિલાએ રાહત અનુભવી હતી અને સપોર્ટ સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.