ગેસની સમસ્યા સામે મહદ અંશે રાહત મળશે
ખાડી દેશો વચ્ચે છેલ્લા એક માસ કરતાં વધુ સમયથી ચાલી રહેલા ભિષણ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલ તેમજ ગેસનો સપ્લાય સમગ્ર વિશ્વભરમાં પ્રભાવિત બન્યો છે. ત્યારે ભારતમાં થોડા સમય પૂર્વે અછત જેવી પરિસ્થિતિ વચ્ચે સમયાંતરે દેશ તેમજ તેલ સાથેના જહાજ નિર્વિઘ્ને આવી રહ્યા છે. થોડા સમય પૂર્વે ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલા આશરે 46500 મેટ્રિક ટન જેટલા એલપીજી ગેસ સાથે આવેલા જહાજ બાદ ગઈકાલે વધુ એક 47000 મેટ્રિક ટન એલપીજી સાથેનું જહાજ વાડીનાર પોર્ટ પર આવી પહોંચ્યું છે.
અમેરિકા ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ગત તારીખ 28 ફેબ્રુઆરીથી ચાલી રહેલા મહાભયંકર યુદ્ધના કારણે વિશ્વભરના અનેક દેશોમાં કુદરતી ગેસ અને ક્રૂડ ઓઇલની સપ્લાય ચેન તૂટી જવા પામી છે. આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે વધુ એક જહાજ એલપીજી ગેસ લઈને ખંભાળિયા તાલુકાના વાડીનાર પોર્ટ પર સફળતાપૂર્વક આવી પહોંચ્યું છે. 47,000 મેટ્રિક ટન એલપીજી ગેસ ભરી, અને “જગ વસંત” નામનું આ જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મોઝથી સફળતાપૂર્વક ભારતના વાડીનાર દરિયા કિનારે પહોંચી ચૂક્યું છે. “જગ વસંત” નામનું આ જહાજ દરિયા કિનારા થી 10 નોટીકલ માઈલ દૂર લાંગરવામાં આવ્યું છે. જેમાં અંદાજિત 47,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો અત્રે આવી પહોંચ્યો છે. આ જહાજને અનલોડિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ગેસ અહીંથી અન્ય વેસલ મારફતે દેશના જુદા જુદા ભાગોમાં વિતરિત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 17 માર્ચના રોજ વાડીનાર બંદરે “નંદાદેવી” નામનું જહાજ આશરે 46,500 મેટ્રિક ટન જેટલો ગેસ લઈને આવી પહોંચ્યું હતું. જે ગેસ મધદરિયે જ અન્ય વેસલમાં સપ્લાય કરી અને તામિલનાડુ તેમજ પશ્ચિમ બંગાળ તરફ મોકલવામાં આવ્યો છે. ત્યારે એલપીજી ગેસનો વધુ 47000 મેટ્રિક ટન જેટલો જથ્થો અત્રે આવી પહોંચતા ગેસની સમસ્યા સામે મહદ અંશે રાહત બની રહેશે.