ચોટીલા નાયબ કલેક્ટર અને તેમની ટીમનો સપાટો : કેશવ કોલ ઈન્ડિસ્ટ્રીઝમાં દરોડો પાડી રૂા. 78.80 લાખનો મુદ્દામાલ જપ્ત
થાનગઢ તાલુકાના ગુગલીયાણા ગામે કાર્યરત ’કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝ’માં ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા તથા થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડીને મોટા પાયે ચાલતા ખનીજ રોયલ્ટી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન તંત્રએ કુલ રૂા.78,80,000/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તંત્રને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગુગલીયાણા સ્થિત કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઓફિસમાંથી કુલ 774 ગેરકાયદેસર રોયલ્ટી પાસ મળી આવ્યા હતા. ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, આ તમામ રોયલ્ટી પાસ સ્વ. હસમુખભાઈ કલ્યાણજીભાઈ સચદેવના નામે ઇસ્યુ કરવામાં આવ્યા હતા. હસમુખભાઈનું વર્ષ 2021 માં (પાંચ વર્ષ પહેલાં) અવસાન થયું હોવા છતાં, તેમના નામે આવેલી થાનગઢના સર્વે નંબર 209 પૈકીની લીઝનો ઉપયોગ કરીને આ કૌભાંડ આચરવામાં આવતું હતું.
ગેરકાયદે ખનનને કાયદેસર બનાવવાનું નેટવર્ક સાયલા તાલુકાના ચોરવીરા, ઈશ્વરીયા અને ચિત્રલાંક જેવા ગામોમાં આવેલા ગેરકાયદેસર કુવાઓમાંથી કોલસાનું ખનન કરવામાં આવતું હતું. આ તદ્દન ગેરકાયદેસર કોલસાને કાયદેસરના માલ તરીકે દર્શાવવા માટે કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નકલી રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવતા હતા.
આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે ઇન્ડસ્ટ્રીઝના માલિકો કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવના સામે આવ્યા છે.જેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દરોડા દરમિયાન ઓફિસ અને પ્લાન્ટ પરથી 1 જેસીબી (ઉંઈઇ), 1 લોડર મશીન, 4 ચારણા 1 ક્રશર પ્લાન્ટ, 1 વજન કાંટો, 200 મેટ્રિક ટન કાર્બોસેલ મળી તંત્ર એ તમામ મશીનરી અને કોલસાના જથ્થા સહિત કુલ રૂા.78,80,000/- (અઠ્યોતેર લાખ એંસી હજાર પુરા) નો મુદ્દામાલ સીઝ કરવામાં કર્યો છે.
આ ઓપરેશન બાદ સમગ્ર પંથકના ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં વહીવટી તંત્ર દ્વારા આ મામલે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે અને જવાબદારો સામે કડક કાયદેસરના પગલાં લેવાની તજવીજ હાથ ધરાઈ છે.