6 નવદંપતિ પ્રભુતામાં પગલા પાડશે
ખંભાળિયામાં પ્રથમ વખત વાલ્મિકી સમાજ દ્વારા આગામી તા. 24 એપ્રિલના રોજ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અત્રે પ્રથમ વખત યોજનારા આ સમૂહ લગ્નમાં છ નવદંપતીઓ લગ્નગ્રંથિથી જોડાશે. આ માટે ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, હાલાર સાંસદ પૂનમબેન માડમ વિગેરેનો સહયોગ સાંપળ્યો છે.
ખંભાળિયામાં શ્રી સમસ્ત વાલ્મિકી સમાજ જ્ઞાતિ મંડળના ઉપક્રમે આગામી વૈશાખ સુદ આઠમને શુક્રવાર તારીખ 24 એપ્રિલના રોજ અત્રે પોરબંદર રોડ ઉપર આવેલા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે જ્ઞાતિના સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અત્રેના જિલ્લામાં પ્રથમ વખત યોજાયેલા વાલ્મિકી સમાજના આ સમૂહ લગ્નમાં 6 યુવક-યુવતીઓ લગ્નના તાંતણે બંધાશે.
આ સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી દર્શનાબેન વાઘેલા, ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી, જામનગર – દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ખંભાળિયાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી ઉપસ્થિત રહેશે.
આ સમૂહ લગ્નમાં દરેક ક્ધયાને અનેકવિધ ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓ કરિયાવર સ્વરૂપે ભેટમાં આપવામાં આવશે. સમૂહ લગ્નમાં તા. 24 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યે જાન આગમન, 10 વાગ્યે હસ્તમેળાપ, 11:30 વાગ્યે સત્કાર સમારંભ, બપોરે 12:30 વાગ્યે ભોજન સમારંભ અને 2:30 વાગ્યે જાન વિદાય સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા છે.
આ સમગ્ર આયોજન માટે શ્રી સમસ્ત વાલ્મિકી સમાજ જ્ઞાતિ મંડળ તેમજ શ્રી સમસ્ત વાલ્મિકી સમાજ યુવક મંડળના હોદ્દેદારો, કાર્યકરો તેમજ જ્ઞાતિજનો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે. તેમ જ્ઞાતિ અગ્રણી રમેશભાઈ વાઘેલાની યાદીમાં જણાવાયું છે.