સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો
ગુજરાત રાજ્યની મહિલાઓની સુરક્ષાનું અભય વચન આપતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન અનેક મહિલાઓના જીવનને નવી દિશા બતાવવામાં મદદરૂપ થાય છે, તાજેતરમાં બનેલ આ જ પ્રકારના કિસ્સાની વિગત જોઈએ તો એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઈનમાં ટેલીફોનીક જાણ કરેલ કે બરવાળા તાલુકાના એક ગામમાં એક અજાણી મહિલા એકલા ત્રણ દિવસથી ગામમાં ભટકતી જોવા મળેલ છે,મહિલા પોતે એકલા હોય અનિચ્છનીય બનાવ બનવાની શક્યતા નિવારવા મહિલાની સુરક્ષા માટે 181 સેવાની જરૂરિયાત છે. ઘટનાની જાણ થતા સત્વરે જ ફરજ પરના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગાબુ એકતાબેન તથા પાયલોટ નરેન્દ્રભાઈ ઘટના સ્થળ પર પહોચેલ હતા. 181 ટીમ દ્વારા પ્રથમ મહિલાને મળી તેમને માનસિક સાંત્વના આપીને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો જેથી મહિલાને સુરક્ષિત જગ્યાએ મોકલી શકાય. વિશ્વાસ સંપાદન થતા મહિલાએ સાસરી પરિવારે ઝઘડો કરી ઘરેથી કાઢી મૂક્યા છે તેવી બાબત જણાવી હતી, આગળની પ્રક્રિયામાં 181 ટીમે પરિવારના સભ્યોના નામ સંપર્ક નંબર જાણવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેઓએ બરવાળા તાલુકાના અને રાણપુર તાલુકાના અલગ-અલગ ગામોના નામ જણાવેલ હોવાથી માહિતીમાં વિશ્વસનીયતા ન જણાતા 181 ટીમે બરવાળા પોલીસ સ્ટેશન તથા રાણપુર પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર કેસ બાબતે નોંધ કરાવેલ હતી. મહિલાની સુરક્ષાને અગ્રતા આપતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી તેઓને સુરક્ષિત સ્થળે એટલે કે બોટાદ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઈ જઈ આશ્રય અપાવ્યો હતો સમય જતા મહિલાએ જે પણ ગામોના નામો જણાવેલ હતા તે પૈકીના તમામ ગામ લોકો સાથે સંપર્કમા રહી તપાસ કરતા અંતે પરિવારની ભાળ મળી હતી અને પરિવારને શોધીને મહિલાનો કબજો યોગ્ય આધાર પુરાવા આધારે પરિવારને સોંપવામાં આવેલ છે.