Jai Hind

અમરેલી જિલ્લામાં ઉનાળાની ઋતુમાં વેફર્સ બનાવવાની પરંપરાથી બટેટાના ભાવમાં તેજી

મહિલાઓ ઘર આંગણે વેફર્સ બનાવે છે

અમરેલી જિલ્લામાં ઉનાળાની ઋતુ શરૂ થતા જ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં મહિલાઓ દ્વારા બટાકાની વેફર્સ બનાવવાની પરંપરા ફરી એક વખત તેજ બની છે. ખાસ કરીને બટાકાની વેફર્સ મોટા પ્રમાણમાં બનાવવામાં આવી રહી છે. ઘરઆંગણે બેસીને મહિલાઓ પરિવાર માટે તેમજ વેચાણ માટે વેફર્સ તૈયાર કરી રહી છે. જેના કારણે બજારમાં બટાકાની માંગમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે.
આ વધતી માંગના કારણે બટાકાના ભાવમાં પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. અગાઉ રૂપિયા 15 ના પ્રતિ કિલો મળતા બટાકા હવે રૂપિયા 25 થી 30 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. વેપારીના કહેવા મુજબ મધ્યમ ગુણવત્તાના બટાકા રૂપિયા 25 સુધી વેચાઈ રહ્યા છે, જ્યારે ગ્રેડ-વન બટાકાનો ભાવ રૂપિયા 30 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે. સાથે જ અન્ય શાકભાજીના ભાવમાં પણ આશરે રૂપિયા 5 નો વધારો નોંધાયો છે.
શાકભાજી વેપારી રહીમભાઈ જણાવે છે કે તેઓ છેલ્લા છ વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે અને હાલ બટાકાની માંગ સતત વધી રહી છે. ઉનાળાની ઋતુમાં ખાસ કરીને વેફર્સ માટે મોટા કદના અને ગુણવત્તાવાળા બટાકાની માંગ વધારે રહેતી હોય છે, જેના કારણે ભાવમાં વધારો સ્વાભાવિક છે. વેપારીઓ માટે આ સમય સારો વ્યાપાર લાવતો હોય છે, પરંતુ સામાન્ય ગ્રાહકો માટે હાલ થોડો મોંઘવારીનો બોજો વધ્યો છે.
શહેરોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ વધુ પ્રમાણમાં વેફર્સ બનાવે છે. તેઓ મોટી માત્રામાં વેફર્સ બનાવીને આખા વર્ષ માટે સંગ્રહ કરે છે, તેમજ કેટલીક મહિલાઓ આ કાર્યને ઘરઆધારિત વ્યવસાય તરીકે પણ અપનાવી રહી છે. વેફર્સ બનાવવાની પ્રક્રિયામાં પરિવારના અન્ય સભ્યો પણ સહભાગી બને છે, જેના કારણે આ એક સામૂહિક પ્રવૃત્તિ બની ગઈ છે.
ઉનાળામાં મળતા સૂર્યપ્રકાશ વધુ મળતા વેફર્સ ઝડપથી સુકાઈ જાય છે, જે આ કાર્ય માટે અનુકૂળ પરિસ્થિતિ બનાવે છે. પરિણામે, અમરેલી જિલ્લામાં ઉનાળાની ઋતુ માત્ર ગરમી જ નહીં. પરંતુ ઘરઆધારિત ઉદ્યોગો માટે પણ સુવર્ણ તક લઈને આવે છે. વધતી માંગ અને ભાવના ફેરફારો વચ્ચે, મહિલાઓ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહી છે.