Jai Hind

ઘટનાનો વિડીયો વાયરલ ગઢડાના નીંગાળા ગામે યુવક પર સરાજાહેર હુમલો: ત્રણ વિરુદ્ધ ફરિયાદ

ગઢડા(સ્વામીના) તાલુકાના નિંગાળા ગામમાં એક યુવક પર સારા જાહેર હુમલો કરી લાકડી સહિત આડેધડ માર મારવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા ચકચાર વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે.
આ અંગે વધારે જાણવા મળતી વિગતો મુજબ નિંગાળા ગામે રહેતા મિત હરેશભાઈ કાસોદરીયા નામના યુવકને કેટલાક શખ્સોએ રસ્તામાં રોકી પકડી રાખી લાકડીઓ તેમજ ઢીકા-પાટુ વડે બેરહેમીથી ઢોર માર માર્યો હતો. તેમજ હુમલાખોરોએ માર મારવાની ઘટનાનો બનાવેલો વિડીયો વાયરલ થતા ભારે ચકચાર ફેલાવા પામેલ છે. આ હુમલાનું કારણ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતીને હેરાન કરવા બાબતે ચાલી રહેલી અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મુદ્દે ગઢડા પોલીસ મથકમાં ભરત વેરશી સાથળીયા, પ્રેમ ભરત સાથળીયા અને સચિન ભરત સાથળીયા નામના ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે પૈકી પોલીસે કાર્યવાહી હાથ ધરી એક આરોપી ભરત સાથળીયાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ફરાર બે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.