Jai Hind

શ્રી કૃષ્ણએ આદર્શ માનવ જીવનની પ્રેરણા આપી: રાજયપાલ દેવવ્રત

દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો વિવાહ સત્કાર સમારોહ સંપન્ન: મલ્ટીમિડીયા શો રજુ કરાયો

માધવપુર ઘેડ મેળાના પાંચમાં અને અંતિમ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજી વિવાહને સત્કારવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સયુંકત ઉપક્રમે હાથી ગેટ પાર્કિંગ ખાતે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો.
આ સત્કાર સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતની આ પવિત્ર ભૂમિ જ્યાં કાશ્મીરથી ક્ધયાકુમારી અને દ્વારકાથી અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલી પાવન ધરા તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, આધ્યાત્મિક મૂલ્યો અને જીવંત પરંપરાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આજના આ પવિત્ર દિવસે મને શ્રીકૃષ્ણ અને રૂક્મણીજીને દ્વારકા ખાતે આવકારવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. જેનો મને ખૂબ જ આનંદ છે. ભારતની સંસ્કૃતિમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને શ્રી કૃષ્ણ મુખ્ય કેન્દ્ર રહ્યા છે. શ્રી કૃષ્ણએ ચરિત્ર, કર્મ, ધર્મ, નીતિ, દાયિત્વ સહિત આદર્શ માનવ જીવન માટે પ્રેરણા આપી છે. તેમનું જીવન અને ઉપદેશ આપણા માટે પ્રેરણાદાયી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મહાભારતમાં શ્રીકૃષ્ણના જીવનના તથ્યો કે જે આપણા માટે પ્રેરણા આપે છે તે આપણે જાણવા જોઈએ. વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા આ માધવપુર મેળાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી નવી ઉંચાઈ મળી છે. શ્રીકૃષ્ણનું મહાભારતમાં વર્ણન એટલું ઊંચું અને આદર્શપૂર્ણ છે કે તેને અપનાવીને માનવ દેવત્વ સુધી પહોંચી શકે છે. શ્રીકૃષ્ણએ રુકમણીજીને સન્માનપૂર્વક સ્વીકાર કરીને માધવપુરમાં વૈદિક પરંપરા અનુસાર વિવાહ કર્યા હતા જેના ઉપલક્ષમાં આ કાર્યક્રમ એ જ પવિત્ર વિવાહના સત્કાર રૂપે ઉજવવામાં આવે છે.
હર્ષદથી દ્વારકા સુધી ઠેર-ઠેર સ્વાગત
હર્ષદ (ગાંધવી)થી દ્વારકા સુધી વિવિધ ગામોમાં નવદંપતિનું સ્વાગત કરવામાં આવે છે. શહેરમાં પણ ઠેર ઠેર વિવિધ સમાજો દ્વારા એકતા અને સમાવેશિતા સાથે નવદંપતિનું સ્વાગત કરવામાં આવે છે અને રુકમણી મંદિર સુધી શોભાયાત્રા યોજાય છે તેમજ દ્વારકામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે.
મનહર માધવપુર બન્યું આકર્ષણનું કેન્દ્ર
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સત્કાર સમારોહમાં ભારતની સાંસ્કૃતિક એકતા દર્શાવતા ઉત્તર પૂર્વીય અને ગુજરાતના કલાકારો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મણીના જીવનકવન પર આધારિત “મનહર માધવપુર” નાટ્ય મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેને નિહાળી સૌ દ્વારકાવાસીઓ મંત્રમુગ્ધ થયા હતા અને વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું. ઉપરાંત, લોકગાયક રાજેશ આહિર દ્વારા ભજનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
પૂર્વમંત્રી અને ધારાસભ્ય મુળુભાઇ બેરા
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા તેમજ આભારવિધિ અધિક કલેકટર અને ખાસ ફરજ પરના અધિકારી સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ એ.યુ. મકવાણા દ્વારા કરવામાં આવી હતી. આ સમારોહમાં દ્વારકા નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, ધારાસભ્ય પબુભા માણેક, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી સહિત બહોળી સંખ્યામાં દ્વારકાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.