આપના પ્રદેશ પ્રમુખ સહિત 30 સામે રાયોટીંગ સહિતનો ગુનો: ભારે ચકચાર
ખંભાળિયામાં ગઈકાલે મંગળવારે બે વાહન અકસ્માત બાદ એક આરોપી દ્વારા માથાકૂટ કરીને બે યુવાનોને માર મારવા તેમજ સોનાના ચેનની લૂંટ ચલાવવા સબબ પરપ્રાંતિય શખ્સ સામે નોંધાયેલી ફરિયાદ બાદ આજરોજ આ આરોપી સંદર્ભે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિતના કાર્યકરોએ ખંભાળિયા પોલીસ મથકમાં બઘડાટી બોલાવી, પોલીસ સામે અણછાજતું વર્તન કરવા સબબ રાયોટીંગ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં ગઈકાલે મંગળવારે સાંજે બે યુવાનો એક મોટર સાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે સર્જાયેલા એક સામાન્ય અકસ્માત બાદ સામેથી આવી રહેલા એક એક્ટિવા પર જઈ રહેલા દીપક નામના એક શખ્સ દ્વારા ફરિયાદી તથા તેમની સાથે જઈ રહેલા બાઇક સવાર યુવાનને માર મારી, સોનાના ચેનની લૂંટ ચલાવા અંગેનો ગુનો નોંધાયો હતો.
આ બનાવના અનુસંધાને આજરોજ બપોરે ખંભાળિયા પોલીસ મથકમાં ખંભાળિયા તાલુકાના મૂળ વતની અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર સહિતના આશરે 30 જેટલા શખ્સોએ ટોળા સ્વરૂપે ધસી જઈને પોલીસ સાથે કથિત રીતે ગેરવર્તન કર્યાનું ખુલવા પામ્યું છે. આટલું જ નહીં, આરોપીઓ દ્વારા ફેસબુક લાઈવ કરીને અહીં ફરજ પરના પોલીસ અધિકારીઓ કર્મચારીઓને એલફેલ શબ્દો કહી, ગર્ભિત રીતે ધમકી આપ્યાનું પોલીસ દ્વારા જાહેર થયું છે. આ સમગ્ર બનાવ સંદર્ભે ખંભાળિયાના પી.એસ.આઈ. યુ.કે. જાદવ દ્વારા ફરિયાદી બની, અને ઈશુદાન ગઢવી સહિતના અઢાર વ્યક્તિઓ સામે નામ જોગ તેમજ 12 અજાણ્યા શખ્સો સામે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં પોલીસે આરોપીઓની અટકાયત કરી લીધી છે. ત્યારે અજાણ્યા શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓને આવતીકાલે અહીંની કોર્ટમાં રજૂ કરી, રિમાન્ડ માટેની તજવીજ પણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ બનતા અહીંના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા ખંભાળિયા પોલીસ મથકમાં દોડી ગયા હતા અને એલસીબી, એસઓજી સ્થાનિક સહિતના પોલીસ અધિકારીઓ તેમજ તેમની ટીમને સાથે રાખીને આરોપીઓની અટકાયત કરી ધોરણ સરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ગઈકાલના ગુનાનો મુખ્ય આરોપી એવો દિપક મૂળ બિહારનો રહેવાસી હોવાનું તથા તેની સામે રાયોટીંગ, છેડતી સહિતના ત્રણ જેટલા ગુનાઓ નોંધાયાનું પણ જાણવા મળ્યું છે. આ આરોપીને પોલીસ દ્વારા બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.