ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે લોકભવન ખાતે રાજ્યસ્તરીય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાગીઓનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજા, સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલ, સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના કુલપતિ સુકાન્ત સેનાપતિ તેમજ સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સમારોહમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનું નામ ગુંજ્યું, જ્યારે રાખેજ ગામના વતની અને હાલ કોડીનારમાં નિવાસ કરતા ડો. રાયસિંહ ઝાલા અને પ્રજ્ઞા ઝાલાની પ્રતિભાશાળી પુત્રી દીકરી શ્રીએ ગુજરાતમાં સૌથી નાની ઉંમરે પ્રતિષ્ઠિત શતસુભાષિતપંડિત પુરસ્કાર મેળવી જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.માત્ર સાત વર્ષની આ દીકરી સમગ્ર કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી. તેના વાક્કૌશલ્યથી મંચસ્થ મહાનુભાવો પ્રભાવિત થયા હતા. શિક્ષણમંત્રી દ્વારા દીકરીને મંચ પર સુભાષિત બોલાવવા વિનંતી કરતાં લોકભવન તાલીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.મંચસ્થ મહાનુભાવોએ દીકરી ભવિષ્યમાં ગીતાભૂષણ જેવા વધુ પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. નાની વયે સંસ્કૃત ભાષામાં પ્રાપ્ત કરેલી નિપુણતા સમગ્ર પંથક માટે પ્રેરણારૂપ બની છે. આ અસાધારણ સિદ્ધિને સમગ્ર વિસ્તારમાંથી બિરદાવવામાં આવી રહી છે.