Jai Hind

સૌ.યુનિમાં પ્રોફેસરોને મહેનતાણાની રકમ નહીં ચુકવતા ઉતરવહી ચકાસણીનો બહિષ્કાર

એક કરોડથી વધુ રકમ બાકી રહેતા કુલપતિને આવેદન પાઠવી મંડળનું અઠવાડિયાનું અલ્ટીમેટમ

સતત વિવાદોમાં ઢસડાતી રહેતી સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા અધ્યાપકોને અંદાજે રૂા.એક કરોડની મહેનતાણાની રકમ નહીં ચૂકવાતા અધ્યાપકો દ્વારા પરીક્ષાની ઉત્તરવહીઓની તપાસણીનો બહિષ્કાર કરી દેવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર યુનિ. વિસ્તાર અધ્યાપક મંડળના પ્રમુખ ડો.ક્રિપાલસિંહ પરમારએ આ અંગે ‘જયહિન્દ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અધ્યાપકોની મહેનતાણાની ચાર વર્ષની અંદાજે રૂા.એક કરોડની રકમ યુનિ. પાસે લેણી નિકળે છે. આ મામલે અગાઉ પણ યુનિ.ના કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતા આ પ્રશ્ર્ન હજુ અધ્ધરતાલ જૈસે થેની હાલતમાં અધ્ધરતાલ લટકી રહ્યો છે.
વર્ષ 2024થી 2026 દરમિયાન યુનિ. દ્વારા લેવામાં આવેલ પરીક્ષાની ઉતરવહીઓની તપાસણીની રૂા.એક કરોડ જેવી રકમ અધ્યાપકોને હજુ સુધી ચૂકવવામાં આવેલ નથી જેના પગલે અધ્યાપકો દ્વારા ઉતરવહીઓની તપાસણીનો બહિષ્કાર કરેલ છે.
તેઓએ વધુમાં જણાવ્યું છે કે ઉતરવહીઓની તપાસણી બાદ આ અંગેના પે-બીલ 15 દિવસમાં જનરેટ કરી અધ્યાપકોને મહેનતાણાની રકમ તેમના બેંક એકાઉન્ટમાં જમા કરવાનો નિયમ છે પરંતુ યુનિ. સત્તાધીશો દ્વારા તેનો છેદ ઉડાડી દેવામાં આવેલ છે.
અધ્યાપકોને ચાર વર્ષથી તેમના મહેનતાણાની રકમ મળી ન હોય ઉચ્ચ શિક્ષણ જગતમાં આ પ્રકરણે ખાસ્સી ચર્ચા જગાવી દીધી છે.