મૃતક ગૌશાળાનો સેવક હતો : હત્યાની આશંકા
સાયલા તાલુકાના સાપર ગામ પાસે ગૌ માતાના લાભાર્થે સેવાકીય પ્રવૃત્તિ કરતા એક યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોરબંદરના વતની અને છેલ્લા 10 વર્ષથી સાપર પાસે ગૌસેવા કેમ્પ ચલાવતા રાજુભાઈ કરણાભાઈ મોઢવાડિયા ગુમ થયા બાદ તેમનો મૃતદેહ રતનપર ગામની સીમમાંથી મળી આવતા ચકચાર મચી છે.
સાયલા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ચોટીલા ચામુંડા માતાને જતા પદયાત્રીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. તેને ધ્યાને લઈ 10 વર્ષથી સાયલાના સાપર ગામ પાસે પોરબંદર ગામના યુવાનો દ્વારા ગૌ માતાના લાભાર્થે કેમ્પનું આયોજન કરીને દાન એકત્ર કરે છે.
યુવાનો દ્વારા ભગીરથ કાર્યમાં જોડાયેલા વીજરાણા વાડી વિસ્તારના રાજુભાઈ કરણાભાઈ મોઢવાડિયા 42 બુધવારના રોજ કેમ્પ છોડીને બહાર ગયા હતા. પરંતુ સાંજ સુધી પાછા ન આવતા અન્ય યુવાનોએ તેના મોબાઈલ દ્વારા શોધ કરી રહ્યા હતા. પરંતુ રાજુભાઈની કોઈ જાણ ન થતાં અંતે સાયલા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બાબતે સાયલા પોલીસે રાજુભાઈના મોબાઈલ નંબર આધારિત લોકેશન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાજુભાઈના મોબાઈલની બેટરી ઉતરી જતા પોલીસ અને યુવાનો રાજુભાઈને શોધી શક્યા ન હતા.
અંતે ભારે જહેમતો બાદ રતનપર ગામની સીમ જમીનમાં કાટાંની વાડમાં રાજુભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.આ બાબતે સાયલા પોલીસે મૃતદેહને સાયલા દવાખાને પીએમ માટે મોકલાયો હતો. પ્રાથમિક પીએમ રિપોર્ટ અનુસાર રાજુભાઈના શરીરે કોઈ બીજા જોવા ન મળી ન હતી. રાજુભાઈના મોત બાબતે સાયલા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરીને તપાસ શરૂ કરી છે.