Jai Hind

તાલાલા પંથકના 35 ગામના વિદ્યાર્થીઓને ઘરબેઠા જાતિના પ્રમાણપત્રો આપનાર 16 કર્મચારીઓનું સન્માન કરાયું

તાલાલા તાલુકા પંચાયતના લીવ રિઝર્વ તલાટી કમ મંત્રી વિજયભાઈ બારડે બે વર્ષમાં વિનામૂલ્યે 2382 પ્રમાણપત્રો એનાયત કર્યા

તાલાલા તાલુકાનાં 35 ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ભાઈ બહેનોને શાળાના અભ્યાસ દરમ્યાન ઘરબેઠા વિનામૂલ્યે જાતિના પ્રમાણપત્રો એનાયત કરવાની પ્રેરણાદાયી શ્રેષ્ઠ કામગીરી કરનાર આચાર્યો તથા તલાટી કમ મંત્રીઓને સન્માનિત કરવા તાલુકા વિકાસ અધિકારી રિઝવાનભાઈ કોંઢિયાના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયતના સભાખંડમાં કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા પંચાયતના લીવ રિઝર્વ તલાટી કમ મંત્રી વિજયભાઈ બારડે બે વર્ષ દરમિયાન 35 સરકારી શાળાના 2382 થી પણ વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોને ઘર બેઠા જાતિના પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.આ કામગીરીમાં શાળાના આચાર્યો તથા તલાટી કમ મંત્રીઓ સહભાગી થયા હતા.આ કામગીરી દરમ્યાન 14 ગામમાં 100 થી વધુ પ્રમાણપત્રો એનાયત થયાં હતાં…જે ગામમાં 100 થી વધુ પ્રમાણપત્રો એનાયત કરવામાં સહભાગી 14 સરકારી શાળાના આચાર્ય તથા તલાટી કમ મંત્રી સહિત 16 કર્મચારીઓને પ્રશસ્તિપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.અત્રે ઉલ્લેખનીય છે કે ઉચ્ચ અભ્યાસ તથા સરકારી નોકરી માટે વિધાર્થીઓને વારંવાર જાતિના પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે.
ગ્રામ્ય વિસ્તારમાંથી પ્રમાણપત્રો લેવા માટે વાલીઓએ વારંવાર તાલુકા મથકે આવવું પડતું હોય છે.તાલુકા પંચાયતના કાર્યદક્ષ સ્ટાફ દ્વારા અભ્યાસ દરમ્યાન વિધાર્થીઓને ઘરબેઠા પ્રમાણપત્રો આપવામાં આવતા વિધાર્થીઓ તથા વાલીઓને ખુબજ રાહત મળી છે.