વ્યાજખોરે રૂ.18 લાખની ઉઘરાણી કરી
ભાણવડમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. વૃધ્ધને રૂ.10 લાખ વ્યાજે આપી જમીન પચાવી પાડી રૂ.18 લાખની પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોર સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા મજીદભાઈ ઓસમાણભાઈ સમા નામના 66 વર્ષના મુસ્લિમ વૃધ્ધએ વર્ષ 2016 ના સમયગાળા દરમિયાન ભાણવડ તાલુકાના દુધાળા ગામના રામભાઈ ગોવાભાઈ સગર પાસેથી ત્રણ ટકાના વ્યાજ દરથી રૂ. 10,00,000 ની રકમ લીધી હતી. જેમાં ફરિયાદી મજીદભાઈની સંયુક્ત ખાતાની ભાણવડ સીમમાં આવેલી જમીન વેચાણ દસ્તાવેજ કરાવી લેવામાં આવ્યો હતો.
ફરિયાદી મજીદભાઈ દ્વારા વ્યાજના પૈસાની સગવડ ન થતા વર્ષ 2017 માં ફરિયાદી મજીદભાઈએ વેચાણથી આપેલી જમીનનો આરોપી રામભાઈ સગરએ કબજો લઈ લીધો હતો જે પરત નહીં સોંપી, અને આશરે રૂપિયા 18 લાખ જેટલી વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરવા સબબ ભાણવડ પોલીસ મથકમાં ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
દ્વારકાના યુવાન પર બે શખ્સનો હુમલો
દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામે રહેતા ભોજાભા ઓઘળભા વાઘા નામના 42 વર્ષના હિન્દુ વાઘેર યુવાન ગત તા. 5 ના રોજ રાત્રિના સમયે એક દુકાન પાસે બેઠા હતા. ત્યારે મેવાસા ગામના માનસંગભા પબુભા માણેક અને ભીમરાણા ગામના જીમલભા હરભમભા વાઘા નામના બે તેમની પાસે આવ્યા હતા. લાકડી સાથે ધસી આવેલા માનસંગભાએ કહેલ કે “મારી પત્નીને કેમ ફોન કર્યો હતો?” તેમ કહી, આરોપીઓએ જૂની વાતનું મનદુ:ખ રાખી, તેમને બિભત્સ ગાળો કાઢી, ટીકા પાટુનો માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
દ્વારકામાં યુવાન પર પાંચ શખ્સોનો હુમલો
દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા જેનુલ ઈશાભાઈ લુચાણી નામના 24 વર્ષના માછીમાર યુવાનને આ જ વિસ્તારમાં રહેતા હાજી સિદ્દીક ભેસલીયા, જાવીદ જાકુબ ઈસબાણી, ઇબ્રાહીમ ઉર્ફે નાના ઉમર ભેસલીયા, સલીમ આલી ભેસલીયા અને ડાડા જુમા ભેસલીયા નામના પાંચ શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર માર્યાની તેમજ છરી વડે હુમલો કરીને ઈજાઓ કર્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. થોડા સમય પૂર્વે દ્વારકામાં ઝડપાયેલા ગૌમાંસના એક કેસમાં ફરિયાદી જેનુલ લુચાણીએ પોલીસને માહિતી આપ્યા બાબતનો ખાર રાખીને ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ ઘટના અંગે દ્વારકાના પી.એસ.આઈ. એન.એસ ગોહિલે આગળની તપાસ હાથ ધરી છે.