Jai Hind

વાંકાનેરના સતાપર ગામમાં ગેરકાયદે સર વિસ્ફોટના જથ્થા સાથે એક ઝડપાયો

475 જીલેટીન સ્ટીક સહિત રૂ. 3.18 લાખનો મુદ્દામાલ જપ્ત, 11 ફરાર

મોરબી એસઓજી પોલીસ ટીમે વાંકાનેરના સતાપર ગામની સીમમાં દરોડો પાડી ગેરકાયદેસર રીતે વિસ્ફોટકો સાથે બ્લાસ્ટ કરવાની તૈયારી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. સ્થળ પરથી જીલેટીન સ્ટીક, ડિટોનેટર, વાયર અને બોલેરો ગાડી સહિત રૂ. 3.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે એસઓજી પોલીસ ટીમે વાંકાનેર તાલુકા પોલીસ મથકે કુલ 12 આરોપીઓ સામે ગુનો નોંધાવી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસની વિશેષ એસઓજી ટીમે મળેલી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના સતાપર ગામે અદેપર તરફ જતા માર્ગ ઉપર રામાપીરની ટેકરી નજીક દરોડો પાડ્યો હતો. અહીં સરકારી ખરાબાની જમીનમાં કોઈપણ જાતની મંજૂરી કે લીજ વગર ગેરકાયદેસર રીતે વિસ્ફોટકોનો જથ્થો ભેગો કરીને બ્લાસ્ટ કરવાની તૈયારી ચાલી રહી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી ‘જઘકઅછ ઊઈઘ ઙછઈંખઊડ જકઞછછઢ ઊડઙકઘજઈંટઊજ’ પ્રકારની જીલેટીન સ્ટીક નંગ 475 કિ.રૂ.1,05,450, ઇલેક્ટ્રોનિક ડિટોનેટર (ઉઝઇં વાયર) નંગ 75 કિ.રૂ.3,750/-, ટીએડી વાયર નંગ 88 કિ.રૂ.,4,400/-, પાવડા, પ્લાસ્ટિક કોથળીઓ, મોબાઇલ ફોન તેમજ વિસ્ફોટક સામાન લઈ જવામાં ઉપયોગમાં લેવાયેલી બોલેરો ગાડી રજી.નં. જીજે-03-બીવાય-9933 સહિત કુલ રૂ.3,18,750/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ સરકારી જમીનમાં આશરે 98 બોર કર્યા હતા, જેમાંથી 23 બોરમાં લગભગ 255 કિલો જેટલો વિસ્ફોટક પદાર્થ ઇલેક્ટ્રોનિક ડિટોનેટર સાથે ફિટ કરીને બ્લાસ્ટ કરવાની તૈયારી કરવામાં આવી હતી. આ સ્થળે માલધારીઓ અને રાહદારીઓની અવરજવર રહેતી હોવાથી કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી. ત્યારે આ મામલે મુખ્ય આરોપી રમેશભાઈ ગોરધનદાસ ખોજીરાજી ઉવ.45 રહે. રાજકોટ આજી વસાહત ખોડિયારનગર વાળાને પોલીસે સ્થળ પરથી જ ઝડપી પાડ્યો હતો. જ્યારે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં અન્ય આરોપીઓમાં ચોથાભાઈ વાલાભાઈ ગોરીયા રહે.સતાપર, સામાભાઈ રહે. સતાપર, એક શોટ ફાયરર અજાણ્યો માણસ, બોલેરો ગાડીનો ડ્રાઇવર અને અન્ય સાત અજાણ્યા ઈસમોના નામ ખુલતા તે તમામને ફરાર દર્શાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ એક્સપ્લોઝિવ એક્ટ અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.