Jai Hind

કોડીનારના આદપોકર ગામે રસ્તો ખુલ્લો કરવાની કામગીરી દરમિયાન ખેડૂતનો આત્મહત્યાનો પ્રયાસ

તંત્ર અને ખેડૂત વચ્ચે વિવાદ વકર્યો

કોડીનાર તાલુકાના આદપોકાર અને સયાજી રાજપરા ગામની સીમમાં વર્ષો જૂના રસ્તાના વિવાદે આજે હિંસક વળાંક લીધો હતો. વહીવટી તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા, પોતાની માલિકીની જમીનમાં નુકશાન થતું હોવાના આક્ષેપ સાથે અભેસિંહભાઈ લખમણભાઇ ચાવડા નામના ખેડૂતે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતને તાત્કાલિક 108 મારફતે કોડીનારની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
દવા પી જનાર ખેડૂતના ભાઈ દેવદાસભાઈ ચાવડાએ પ્રાંત અધિકારી પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, “અમારી જમીનમાં કોઈ રસ્તો નથી, છતાં આજે બિનકાયદેસર રીતે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે જ નોટિસ આપી આજે માપણી કર્યા વગર જ પાળા તોડવાનું શરૂ કરી દેવાયું. આ મામલો છેલ્લા 10-11 વર્ષથી કોર્ટમાં અને હાલ હાઈકોર્ટમાં પણ પડતર છે. અગાઉ પ્રાંત અધિકારીએ પોતે જ લેખિતમાં સ્વીકાર્યું હતું કે આ જમીન સંપાદિત થયેલી નથી, છતાં પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતોને જમીન વિહોણા કરવાની નીતિ અપનાવવામાં આવી રહી છે.”
બીજી તરફ, દવા પી જનાર ખેડૂત અંગે પૂછતા પ્રાંત અધિકારી કે.આર.પરમારે જણાવ્યું હતું કે કોઈની પણ માલિકીની જમીન માંથી રસ્તો નીકળતો નથી બન્ને ગામ ના સીમાડા વચ્ચે આવેલ સરકારી જમીન ની માપણી કરી હાલ માત્ર સરકારી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી ચાલુ છે. “મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં અરજદાર બાબુભાઈ વંશ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ખેડૂતોને ખેતરે જવા માટે રસ્તો મળતો નથી. 2010થી ચાલતા આ વિવાદમાં ત્રણ વખત માપણી કરવામાં આવી છે. આજે પણ માપણી કરીને માત્ર સરકારી રેકોર્ડ પરનો જ રસ્તો ખુલ્લો કરવામાં આવી રહ્યો છે. કોઈની ખાનગી માલિકીની જમીનમાં દબાણ કરવામાં આવ્યું નથી.” ત્યારે હવે સમગ્ર મામલે શું થશે તે જોવું રહ્યું હાલ તો ખેડૂતે આ પગલું ભરતા ચકચાર મચી જવા પામી હતી.