Jai Hind

બ્રહ્માકુમારીઝના પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી રતનમોહિનીની પ્રથમ પુણ્યતિથિએ ‘વિશ્ર્વ એકતા દિવસ’ ઉજવાયો

બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી રતનમોહિનીની પ્રથમ પુણ્યતિથિ બુધવારે ’વિશ્વ એકતા દિવસ’ તરીકે મનાવવામાં આવી હતી. દાદીની સ્મૃતિમાં શાંતિવનમાં બનાવવામાં આવેલા ’જ્ઞાન રત્ન સ્તંભ’ પર દેશભરમાંથી આવેલા સંસ્થાના વરિષ્ઠ પદાધિકારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મિડિયા સંયોજક બ્રહ્મા કુમાર મુકેશભાઈ જોશીના જણાવ્યા અનુસાર, ડાયમંડ હોલમાં આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં મુખ્ય પ્રશાસિકા રાજયોગિની મોહિની દીદીએ જણાવ્યું હતું કે દાદીનું જીવન યોગ, તપસ્યા અને સાધનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું. દાદી એ મહાન આત્માઓમાંના એક હતા જેમણે આ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયની વર્ષ 1937 માં સ્થાપનાથી લઈને વર્ષ 2025 સુધીની 89 વર્ષની યાત્રાના સાક્ષી રહ્યા છે. 40 થી વધુ વર્ષો સુધી તેમણે યુવા પ્રભાગના અધ્યક્ષા તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. તેમના નેતૃત્વમાં યુવા પ્રભાગ દ્વારા દેશભરમાં અનેક રાષ્ટ્રીય યુવા પદયાત્રા, સાયકલ યાત્રા અને અન્ય અભિયાનો ચલાવવામાં આવ્યા હતા. અતિરિક્ત મુખ્ય પ્રશાસિકા રાજયોગિની મુન્ની દીદીએ પણ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
મહાસચિવ બીકે કરુણા ભાઈએ જણાવ્યું હતું કે દાદી સાથે વર્ષો સુધી રહેવાનું સૌભાગ્ય મળ્યું. દાદીના જીવનમાંથી ઘણું શીખવા મળ્યું છે. યુવા પ્રભાગ દ્વારા દાદીજીના નેતૃત્વમાં 2006માં કાઢવામાં આવેલી ’સ્વર્ણિમ ભારત યુવા પદયાત્રા’ એ બ્રહ્માકુમારીઝના ઈતિહાસમાં એક નવું પ્રકરણ લખ્યું છે. આ પદયાત્રા દ્વારા સમગ્ર દેશમાં 30 હજાર કિમીનું અંતર કાપવામાં આવ્યું હતું, જેમાં પાંચ લાખ બ્રહ્માકુમાર ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. આ દરમિયાન સવા કરોડ લોકોને શાંતિ, પ્રેમ, એકતા, સૌહાર્દ, વિશ્વ બંધુત્વ, અધ્યાત્મ, વ્યસનમુક્તિ અને રાજયોગ ધ્યાનનો સંદેશ આપવામાં આવ્યો હતો.
બહેનોની તાલીમની જવાબદારી દાદીજીના હસ્તક રહી
અતિરિક્ત મુખ્ય પ્રશાસિકા રાજયોગિની જયંતી દીદીએ જણાવ્યું હતું કે વર્ષ 1996માં બ્રહ્માકુમારીઝની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે હવે વિધિવત રીતે દીકરીઓને બ્રહ્માકુમારી બનવાની તાલીમ આપવામાં આવશે. આ માટે એક ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવ્યું અને તત્કાલીન મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી પ્રકાશમણીએ દાદી રતનમોહિનીને આ ટ્રેનિંગ પ્રોગ્રામના હેડ તરીકે નિયુક્ત કર્યા. ત્યારથી અત્યાર સુધી બહેનોની નિમણૂક અને તાલીમની જવાબદારી દાદીજીના શિરે રહી. દાદીના નેતૃત્વમાં અત્યાર સુધીમાં 6000 સેવા કેન્દ્રોનો પાયો નાખવામાં આવ્યો છે.
બાબા સાથે 32 વર્ષની લાંબી સફર
અતિરિક્ત મહાસચિવ રાજયોગી ડો. મૃત્યુંજય ભાઈએ જણાવ્યું હતું કે દાદી રતનમોહિનીમાં બાળપણથી જ ભક્તિભાવના સંસ્કારો હતા. નાની ઉંમર હોવા છતાં તેઓ અન્ય બાળકોની જેમ રમવા-કૂદવાને બદલે ઈશ્વરની આરાધનામાં વધુ સમય વિતાવતા હતા. તેમનો સ્વભાવ ધીર-ગંભીર હતો. અભ્યાસમાં હોશિયાર હોવાની સાથે તેઓ પ્રતિભાશાળી પણ હતા. દાદીજી વર્ષ 1937 થી લઈને બ્રહ્મા બાબાના અવ્યક્ત થવા (વર્ષ 1969) સુધી તેમની પડછાયાની જેમ સાથે રહ્યા હતા. આ 32 વર્ષોમાં તેઓ બાબાની સાથે દરેક ક્ષણે રહ્યા. બાબાનું કહેવું અને દાદીનું કરવું એ વિશેષતા શરૂઆતથી જ તેમનામાં હતી.