Jai Hind

સાવરકુંડલા: વધેલા મસાલા-કરિયાણાના કિટની જરૂરતમંદોને વહેંચણી કરાઇ

તાત્કાલિક હનુમાન આશ્રમ દ્વારા અનોખો સેવાયજ્ઞ

સાવરકુંડલામાં તાજેતરમાં તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે શ્રી હનુમાન પ્રાગટ્ય મહોત્સવની અત્યંત ભક્તિભાવ પૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં હજારો શ્રદ્ધાળુઓએ ઉમટી પડી દાદાના દર્શન કર્યા હતા અને વિશેષ રૂપે આયોજિત ભવ્ય ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. જોકે, આ ધાર્મિક મહોત્સવની પૂર્ણાહુતિ બાદ આશ્રમ પરિવાર દ્વારા એક અત્યંત અનુકરણીય પગલું ભરીને સમાજ સામે નવો રાહ ચિંધ્યો છે.આ મહોત્સવના ભોજન પ્રસાદના આયોજન બાદ વધેલા મસાલા, કરિયાણું અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓનો સહેજ પણ વ્યય કરવાને બદલે, આયોજકો અને આશ્રમના સ્વયંસેવકોએ સાથે મળીને તેની નાની-નાની કીટ તૈયાર કરી હતી. આ કીટમાં જીવનજરૂરી તમામ રાશન સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દાતાઓ દ્વારા મળેલી વસ્તુઓનો એક પણ અંશ બગડે નહીં અને તેનો સાર્થક રીતે ઉપયોગ થાય તેવો પવિત્ર અને ધાર્મિક ઉદ્દેશ્ય આ પાછળ રહેલો હતો. આ તૈયાર કરવામાં આવેલી ’સેવા કીટ’નું વિતરણ કરવા માટે તાત્કાલિક હનુમાનજી આશ્રમ પરિવારના યુવાનો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જે પરિવારોમાં અશક્ત વૃદ્ધ માતા-પિતા એકલા રહે છે અથવા જેઓ આર્થિક રીતે નબળા છે, તેવા પરિવારોના ઘરે રૂબરૂ જઈને આ કીટ સપ્રેમ અર્પણ કરવામાં આવી હતી.