પંથકમાં સતત આંચકાથી ગામ લોકોમાં ભયનો માહોલ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં છેલ્લા 30 કલાક દરમિયાન સતત ભૂકંપના આંચકાઓ અનુભવાતા ગ્રામ્ય વિસ્તારમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે. ગઈકાલે વહેલી સવારથી શરૂ થયેલા આંચકાઓનો સિલસિલો આજ સવાર સુધી ચાલુ રહ્યો હતો, જેમાં કુલ 24 જેટલા આંચકાઓ નોંધાયા હોવાનું સિસ્મોલોજી વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. આ બનાવમાં મળતી વિગત મુજબ અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં ધરતીકંપની ગતિવિધિ તેજ બનતા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જેમાં ગઈકાલે વહેલી સવારે આશરે 4:15 વાગ્યાથી શરૂ થયેલા આંચકાઓ અવિરત રીતે અનુભવાતા રહ્યા છે. છેલ્લા 30 કલાક દરમિયાન કુલ 14 જેટલા નાનાં-મોટાં આંચકાઓ નોંધાયા છે.
આજે વહેલી સવારે રાત્રે 1:14 વાગ્યે 3 તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, જે સૌથી વધુ તીવ્ર ગણાયો છે. ત્યાર બાદ 1:37 વાગ્યે 1.1 તીવ્રતાનો અને સવારે 8:58 વાગ્યે 1.5 તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. સતત આવતાં આંચકાઓને કારણે મીતીયાળા સહિત આસપાસના ગામોમાં લોકો ભયભીત બની ગયા છે.
અને ઘણા લોકો ઘરની બહાર નીકળી સુરક્ષિત જગ્યાએ સમય પસાર કરતા જોવા મળ્યા હતા. આ ભૂકંપના આંચકાનો પ્રભાવ માત્ર મીતીયાળા સુધી મર્યાદિત ન રહ્યો પરંતુ ભાડ, વાંકિયા, ધજડી, સાકરપરા અને ઈંગોરાળા જેવા નજીકના ગામોમાં પણ ઝટકાઓ અનુભવાયા હતા.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગે આ તમામ આંચકાઓની પુષ્ટિ કરી છે અને હાલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે. સતત આવતાં આંચકાઓને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જો કે હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટી નુકસાનની માહિતી પ્રાપ્ત થઈ નથી.