Jai Hind

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમી શરૂ : ભૂજ-રાજકોટમાં તાપમાન 37 ડિગ્રીને પાર

માવઠા બાદ ગુરૂવારથી વાતાવરણમાં પલટો આવ્યો : આગામી દિવસોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થવાની શક્યતા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બુધવાર સુધી વાદળિયુ વાતાવરણ અને માવઠુ વરસ્યા બાદ ગુરૂવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુરૂવારે વહેલી સવારથી સુર્યનારાયણના આકરા તાપનો સામનો નગરજનો કરી રહ્યા છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂજ અને રાજકોટ 37 ડિગ્રી તાપમાને શેકાયા હતાં.
માવઠાનાં રાઉન્ડ બાદ આજથી ફરી રાજકોટમાં પવનની ઝડપ ઘટી છે અને બપોરનાં તાપમાનનો પારો પણ થોડો ઉંચકાયો છે. આજે બપોરે 2.30 કલાકે રાજકોટનું તાપમાન 34.6 ડિગ્રી નોંધાયુ હતું તેમજ હવામાં ભેજ 38 ટકા રહ્યો હતો અને પવનની ઝડપ ઘટીને 6 કી.મી. રહેતા બપોરે તાપનો અનુભવ થયો હતો.
દરમ્યાન રાજ્યમાં ધીમે ધીમે ગરમી પોતાનો આકરો મિજાજ બતાવી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ગરમીને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે અને આગામી દિવસોમાં તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો નોંધપાત્ર વધારો જોવા મળશે. હાલમાં રાજ્યમાં હવામાનને અસર કરતી ત્રણ અલગ-અલગ સિસ્ટમ સક્રિય છે, જેના પરિણામે દૃક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે. આ પવનો અને વધતા તાપમાનના કારણે ખાસ કરીને રાજ્યના તટીય વિસ્તારમાં લોકોને ભારે ગરમી અને અકળામણનો અનુભવ થશે.
પમાનના આંકડાઓ પર નજર કરીએ તો, રાજ્યમાં સામાન્ય રીતે મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાઈ ચૂક્યું છે. વિવિધ પ્રમુખ શહેરોમાં પણ ગરમીનો પારો સતત ઊંચકાયેલો જોવા મળ્યો છે. જેમાં ભાવનગરમાં સૌથી વધુ 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત, અમદાવાદમાં 35.8 ડિગ્રી અને પાટનગર ગાંધીનગરમાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં પારો હજુ વધુ ઊંચે જવાની સંભાવના હોવાથી નાગરિકોને કાળઝાળ ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.