સતાવાર નામ જાહેર કરવા છેલ્લી ઘડી સુધી ચાલેલી આંતરિક ધમાસાણ બાદ યાદી જાહેર થતા જ ભાજપમાં આંતરિક ભુકંપ જેવી હાલત
મોટા માથાઓ કહી શકાય તેવા નામમાં પૂર્વ પદાધિકારી એવા મેયરપદે રહેલા અને વિવાદી ગેરકાયદે બાંધકામમાં નામ જેનુ ખરડાયુ હતુ તેવા નયનાબેન પેઢડિયા, છેલ્લે સ્ટેન્ડીંગ ચેરમેન રહેલા જયમીન ઠાકર, મનિષ રાડિયા, લીલુબેન જાદવ, સુરેન્દ્રસિંહ વાળા ઉપરાંત બાબુભાઇ ઉધરેજા, નીતિન રામાણી, નેહલ શુક્લ સહિતનાને ઘરે બેસાડી દેવાયા
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ તરફથી મુરતિયા નક્કી કરવામા ફોર્મ ભરવાના પૂર્વ રાત્રિ સુધી પાર્લામેન્ટ્રી બોર્ડમાં નામની ભારે ઉથલપાથલ થયા બાદ અંતે આજે શુક્રવારે રાત્રે 9 વાગ્યે તમામ 18 વોર્ડના ઉમેદવારોના નામ જાહેર થયા છે. જેમા મોટા માથાઓ કહી શકાય તેવા નામમાં પૂર્વ પદાધિકારી એવા મેયરપદે રહેલા અને વિવાદી ગેરકાયદે બાંધકામમાં નામ જેનુ ખરડાયુ હતુ તેવા નયનાબેન પેઢડિયા, છેલ્લે સ્ટેન્ડીંગ ચેરમેન રહેલા જયમીન ઠાકર, મનિષ રાડિયા, લીલુબેન જાદવ, સુરેન્દ્રસિંહ વાળા ઉપરાંત બાબુભાઇ ઉધરેજા, નીતિન રામાણી, નેહલ શુક્લ સહિતના કટ ટુ સાઇઝ કરી નાખવામા આવ્યા છે. ગત ટર્મના ચૂંટાયેલા નગરસેવકોમાંથી માત્ર 22 જ ચહેરા રિપિટ કરવામા આવ્યા છે
જ્યારે 47 નવા ચહેરાને તક આપવામા આવી છે. જૂના જોગીઓને ઘરે બેસાડી દેવામા આવતા સ્થાનિક ભાજપમાં જાણે ભુકંપ જેવી હાલત થઇ છે. આ ઉપરાંત એવા અનેક જુના જોગીઓ હતા કે જેમની મનની મનમાં રહી ગઇ છે. બીજુબાજુ એક સારી બાબત એ કહેવાય કે નવા ચહેરાઓને તક આપવામા આવી છે. પક્ષે પહેલેથી જ ટીકીટ માટે નવા ધારાધોરણો જાહેર કર્યા હતા તેમાનુ એક માપદંડ નો-રિપિટ થિયેરીમાં મહતમઅંશે પાર્ટીએ નિર્ણય લઇને નવા ચહેરાઓને સ્થાન આપવામા આવ્યુ છે. તો એક માઇનસ પોઇન્ટ એ પણ છે કે, જો મનપામાં ફરી ભાજપનું શાસન આવે તો પીઢ કહી શકાય તેવા નગરસેવકોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ છે.
ફરી જંગી બહુમતીથી શાસન મેળવવા નવા ચણા ચાવવા જેવો પડકાર
શિસ્તબધ્ધ પાર્ટીમાં ઘણા સમય પછી જોવા મળી હરિફાઇના બદલે લડાઇ
ફોર્મ ભરવાના 12 કલાક પહેલા સતાવાર યાદી જાહેર થાય તેવુ ઘણા સમય પછી જોવા મળ્યુ ભાજપ એક શિસ્તબધ્ધ પાર્ટીની છાપ ધરાવે છે. ટીકીટ માટે સેન્સ પ્રક્રિયા જરૂર હોય છે. સૌ કાર્યકર્તાઓને દાવેદારી કરવા માટેની તક અને સાંભળવાનો મોકો જરૂર આપવામા આવે છે. પણ અંદરખાને જે પેનલ નક્કી થાય છે તેમા મોટાભાગે સર્વસંમિતી હોય જ છે. આ વખતે ઘણા સમય પછી એવુ જોવા મળ્યુ કે, અંતિમ તબક્કા સુધી ઉમેદવારો ઘોષિત કરવામા પ્રદેશના મવડી મંડળને ભારે મસલત કરવી પડી. અત્યાર સુધી મોટાભાગે એવુ જોવા મળ્યુ છે કે, ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય તેના બે- ચાર દિવસ પહેલા જ તમામ ઉમેદવારોની યાદી જાહેર થઇ જતી હોય છે. પણ આ વખતે ફોર્મ ભરવાના માત્ર 12 કલાક પહેલા જ તમામ વોર્ડની સતાવાર યાદી જાહેર થઇ. એ સ્પષ્ટ કરે છે કે આ વખતે ભાજપ માટે નવા ચણા ચાવવા જેવુ છે. નવા ચહેરાઓના જોરે મનપામાં જંગી બહુમતી સાથે ફરી શાસન મેળવવાનો મોટો પડકાર છે.
આજે વિજય મુહૂર્તે તમામ ઉમેદવારો ફોર્મ ભરશે
વકિલોની પેનલની હાજરીમાં રાત આખી ફોર્મ ભરવાની કામગીરી કરવાની નોબત આવી
ઉમેદવારી ફોર્મ ભરવામા અનેક ટેકનીકલ બાબતોનુ ધ્યાન રાખવુ પડે છે. એક નાની એવી ભુલ રહી જાય તો પણ ફોર્મ નામંજૂર થાય ત્યારે વોર્ડમાં નક્કી કરેલી ઉમેદવારોની પેનલમાં ઉથલપાથલ થઇ શકે છે. ઉમેદવારોની પસંદગીમાં છેલ્લી ઘડી સુધીની ધમાસાણ વચ્ચે નામની સતાવાર જાહેર થઇ અને આવતીકાલે શનિવારે બપોરે 11:પપ વાગ્યે વિજયમુર્હુતમાં નામાંકન પત્ર સબમીટ કરવાના છે ત્યારે શહેર ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમ ખાતે રાત આખી ફોર્મ ભરવાની કામગીરી ચાલુ રાખવી પડે તેવી નોબત આવી છે. આ માટે ભાજપના લીગલ સેલના અનુભવી એડવોકેટની પેનલોને બેસાડીને તમામ ઉમેદવારોના ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરી દેવામા આવી હોવાનું આ લખાય છે ત્યારે મોડી રાત્રે જાણવા મળે છે.
જુના જોગીઓએ જેમનુ લોબીંગ (ભલામણ) કરી એ તમામ કપાયા
રાજકોટ ભાજપમાં વર્ષોથી કોઇને કોઇ પદ પર રહી ચુકેલા હોય તેવા જુના જોગીઓમાં કોઇએ સગા ભાઇ માટે તો કોઇએ ધર્મપત્ની કે પરિવાર અથવા તો નજીકના મિત્ર સર્કલમાંથી ચોક્કસ ચહેરાની ભલામણ પ્રદેશ કક્ષાએ મોકલી હતી. આવા મોટાભાગના ચહેરાઓ કટ ટુ સાઇઝ કરી દેવામા આવ્યા છે. જેમા નેહલ શુક્લ, જયમીન ઠાકર, મનિષ રાડિયા, બાબુભાઇ ઉધરેજા, નયનાબેન પેઢડિયા, સુરેન્દ્રસિંહ વાળા, નીતિન રામાણી સહિતનાને કાપી નાખવામા આવ્યા છે.
સતાવાર યાદી જાહેર થાય એ પહેલા કમલમમાં પોલીસ જાપ્તો ગોઠવવો પડ્યો
સતાવાર યાદી ક્યારે જાહેર થશે? કોને ચાન્સ મળશે? કોણ કપાશે? આંતરિક અસંતોષનો જ્વાળામુખી ફાટશે તો? આવા અનેક સવાલો વચ્ચે આજે સવારથી જ કમલમ કાર્યાલય ઉપર ચિંતાના વાદળો ઘેરાયા હતા. નામ મોડી રાત સુધીમાં સતાવાર રીતે જાહેર થશે તેવો આમતો નક્કી જેવુ જ હતુ. અને આ ધારણાના અનુસંધાને નામ જાહેર થાય એ પહેલા સાંજથી જ કમલમ કાર્યાલય ખાતે પોલીસ જાપ્તો ગોઠવવો પડ્યો હતો.