Jai Hind

ખંભાળિયામાં ભાજપના પીઢ આગેવાને નગરપાલિકાની ટિકિટને નકારી દીધી

દિનેશભાઈ દત્તાણીએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ હાલ વાગી રહ્યા છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા લાયક ઉમેદવારોને ટિકિટની ફાળવણીની પ્રક્રિયા મહદ અંશે પૂર્ણ થઈ ચૂકી છે. આ વચ્ચે ખંભાળિયાના ભાજપના એક પીઢ આગેવાન અને રઘુવંશી અગ્રણીએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિના ટ્રસ્ટી અને જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી એવા દિનેશભાઈ દતાણીને ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ આગેવાન દ્વારા ચૂંટણીની ટિકિટ ફાઈનલ હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેમણે જ્ઞાતિલક્ષી તેમજ અન્ય કારણસર આ નેતાનો આભાર વ્યક્ત કરી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી.માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડાયરેક્ટર – ચેરમેન અને નગરપાલિકાના ત્રણ વખત ચૂંટાયેલા સભ્ય તથા પૂર્વ પ્રમુખ એવા દિનેશભાઈ દતાણીએ હવે અન્ય નવા ચહેરાને તક આપવામાં આવે તેવા અભિગમ સાથે હંમેશા સક્રિય રીતે ભાજપની સાથે જ રહેવાનો પ્રતિભાવ પણ આ સાથે વ્યક્ત કર્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજકારણમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા દિનેશભાઈ દતાણીએ ચૂંટણી લડવાની ના કહી દેતા આ બાબતે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.