Jai Hind

કલ્યાણપુરમાં બોલેરોએ છાત્રાને હડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડી

દ્વારકાના કલ્યાણપુર ગામે બોલેરોએ છાત્રાને હડફેટે લઇ ઇજા પહોંચાડયાની ફરીયાદ નોંધાઇ છે. જયારે ભાણવડમાં પોલીસ ફરીયાદનું મનદુ:ખ રાખી યુવાન પર દંપતિએ હુમલો કરતા પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
કલ્યાણપુરમાં મામલતદાર ઓફિસની બાજુમાં રહેતા બાબુભાઈ નાથાભાઈ સોલંકીની દસ વર્ષની પુત્રી પ્રિયલ તેની સ્કૂલે જવા માટે ઘરની સામેના માર્ગ પર ઉભી હતી, તે દરમિયાન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી 6691 નંબરના બોલેરોના ચાલક સાહિલ મારાજએ પ્રિયલ સોલંકીને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે વિદ્યાર્થીનીના પિતા બાબુભાઈ નાથાભાઈ સોલંકીની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે બોલેરોના ચાલક સાહિલ મહારાજ સામે ગુનો નોંધ્યો છે.
દ્વારકાના માછીમાર યુવાનને મારી નાખવાની ધમકી
દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા દિલાવર ઈબ્રાહીમ સમા નામના 24 વર્ષના માછીમાર યુવાનની બોટના રસ્સા કોઈએ કાપી નાખ્યા હોય, જે બાબતે તેઓ અન્ય યુવાન સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન જુમા અલાના ઇસબાણી, ઈમ્તિયાઝ ઈબ્રાહીમ, દાઉદ ઈબ્રાહીમ, જાવીદ જુમા અબ્દુલ આલી અને સરફરાઝ અબ્દુલ નામના છ શખ્સો અહીં આવ્યા હતા. આ તમામ આરોપીઓએ ફરિયાદી દિલાવર સમા સાથે બોલાચાલી કરી, બિભત્સ ગાળો ભાંડી, લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા વડે ફરિયાદી અને સાહેદોને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવને અનુલક્ષીને પોલીસે બી.એન.એસ. અને જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ભાણવડમાં યુવાનને મારી નાખવાની ધમકી
ભાણવડમાં ઘુમલી રોડ ઉપર રહેતા શૈલેષભાઈ રાજાભાઈ ડાંગર નામના 40 વર્ષના યુવાનની વાડીમાં જવાના રસ્તે આરોપી કિશન મુળુભાઈ કરમુરએ માટીના ટ્રેક્ટર નાખ્યા હતા. જે માટી નળતરરૂપ હોય, ફરિયાદી શૈલેષભાઈ આ માટી ખસતા હોવાથી આરોપી કિશન કરમુરએ તેમને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તથા પથ્થરના ઘા ફટકારી, ઈજાઓ કર્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
દંપતી સામે ફરિયાદ
ભાણવડ તાબેના મોરજર ગામના મૂળ વતની અને હાલ વડોદરા ખાતે રહેતા રાજુભાઈ કાનાભાઈ મકવાણા નામના 41 વર્ષના યુવાન ઉપર પાવડાના હાથાના ધોકા વડે હુમલો કરી, ફેક્ચર સહિતની ઈજાઓ કર્યાની તથા બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરજર ગામના ભીખુભાઈ બધાભાઈ પરમાર અને જશુબેન ભીખુભાઈ પરમાર સામે ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી રાજુભાઈની વડોદરાની હોટલમાં આરોપીના પુત્રના કામ કરતી વખતે પૈસાની લેતી-દેતી બાબતે રાજુભાઈએ વડોદરામાં પોલીસ ફરિયાદ કરી હતી. જે બાબતનું મનદુ:ખ રાખીને ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે ભાણવડ પોલીસે બંને સામે બી.એન.એસ. તેમજ જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
મોબાઈલ નંબરની ચીઠ્ઠી નાખવા યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો
ભાણવડમાં એસ.ટી. રોડ પર રહેતા જયકુમાર રતનશીભાઈ નકુમ નામના 37 વર્ષના યુવાને એક વ્યક્તિના ઘર પાસે તેના પત્નીને પોતાના મોબાઈલ નંબરની ચિઠ્ઠી નાખી હોવાની કહેવાતી બાબતનું મનદુ:ખ રાખીને આરોપી હાર્દિક કારેણા તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ બિભત્સ ગાળો ભાંડી, પાઇપ વડે ઇજાઓ કર્યાની તથા તેમના મોટરસાયકલમાં અંદાજે રૂ. 20,000 જેટલું નુકસાન કર્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.