અમરેલી, ભાવનગર પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં આગામી રવિવાર અને સોમવાર બે દિવસ વાતાવરણમાં પલટો આવસે જ્યારે અમરેલી અને ભાવનગર પંથકમાં ગાજવીજ સાથે માવઠુ વરસવાની આગાહી હવામાન વિભાગે ક રી છે. તો રાજકોટમાં પારો 42 ડિગ્રીએ સ્થિર થયો છે. ગુરૂવારે પણ રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. જ્યારે રાજ્યના ત્રણ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો હતો.
રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસમાં મોટાભાગે હવામાન સુકુ રહેવાની સંભાવના છે. જ્યારે તા. 19 અને 20 એપ્રિલના રોજ અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તા. 19 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહિસાગર અને દાહોદ જિલ્લામાં માવઠુ વરસશે. તેમજ તા. 20 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, તાપી એન ડાંગ જિલ્લામાં માવઠાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળુ વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં. પરંતુ ત્યાર બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.
પવનની દિશા અત્યારે પશ્ર્ચિમથી ઉત્તર, પશ્ર્ચિમ તરફની છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. અને એક ટ્રફ સિસ્ટમ દક્ષિણ-પૂર્વ રાજસ્થાનની મણિપુર સુધી ફેલાયેલી છે. જેની અસર ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણ પર પડશે.
રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પારો 42 ડિગ્રીએ સ્થિર થયો છે. ગુરૂવારે શહેરનું તાપમાન 42 ડિગ્રીએ નોંધાયું હતું. બપોરના સમયે ગરમ પવનો અને સુર્યનારાયણના અંગ દઝાડતા તાપથી અકળાઈ ઉઠ્યા હતાં. શહેરના રાજમાર્ગો પર બપોરે વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. કાળઝાળ ગરમીથી બચવા લોકોએ લચ્છી, લીંબુ, શરબત, છાશનો સહારો લીધો હતો.
ક્યાં કેટલુ તાપમાન
શહેર તાપમાન
રાજકોટ 41.9
અમરેલી 40.3
ભાવનગર 37
ભૂજ 39.7
દીવ 32.7
દ્વારકા 31.2
કંડલા 35
નલિયા 35.2
ઓખા 33.4
પોરબંદર 34.3
વેરાવળ 32