Jai Hind

લોધીકા ફાર્મ હાઉસમાંથી ઝડપાયેલા દારૂ પ્રકરણમાં પી.આઇ. સહિત 6 સસ્પેન્ડ

ફરજમાં બેદરકારી બદલ પી.આઇ. એસ.એચ. પરમાર અને ટીમ સામે કાર્યવાહી

લોધીકા પોલીસ મથકના વિસ્તારના ફાર્મહાઉસમાં સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી દરોડો પાડી 11 લાખનો દારૂ ઝડપી લીધાના પ્રકરણમાં લોધીકા પોલીસ મથકના પીઆઇ તથા પાંચ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવાનો હુકમ રેન્જ આઇજી નિર્લીપ્ત રાયએ કરતાં પોલીસ બેડામાં ખળાભળાટ મચી ગયો છે.
લોધીકા પાસે આવેલ માખાવડ ગામની સીમમાં ફાર્મહાઉસમાં ગઇકાલે એસએમસીની ટીમના પીએસઆઇ એસ.વી.ગળચર અને ટીમે દરોડો પાડી રૂ.11.16 લાખનો દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે દારૂ ઉતારનાર બુટલેગર ઉમેશ કાનાણી સહિતના અન્ય શખ્સોની સંડોવણી ખુલતા તેને ભાગેડુ જાહેર કરી શોધખોળ હાથ ધરાઇ હતી. સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એસએમસીની દરોડો પાડતાં સ્થાનીક પોલીસની ભૂમિકા અંગે રેન્જ આઇજી નિર્લીપ્ત રાયએ જીલ્લા પોલીસવડાને તપાસ કરવાનો હુકમ કર્યો હતો.
દરમ્યાન આ દારૂ પ્રકરણમાં સ્થાનીક પોલીસની બેદરકારી ખુલતા રેન્જ આઇજી નિર્લીપ્ત રાયએ લોધીકાના મહિલા પીઆઇ એસ.એમ.પરમાર, એએસઆઇ પીયૂષ રામાણી, ગોપાલભાઈ ધાંધલ, હેડ કોન્સ્ટેબલ માવજીભાઈ ડાંગર, ખોળાભાઈ મકવાણા, કોન્સ્ટેબલ પ્રકાશભાઇ પરમારને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા રૂરલ પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
હાલ લોધીકા પીઆઇને સસ્પેન્ડ કરાતા લોધીકા પીઆઇનો ચાર્જ પીએસઆઇ આઇ.એન.સરવૈયાને સોંપવાનો હુકમ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયની બદલી થઈ તે પહેલાં તેઓ એસએમસીના વડા તરીકે ફરજ બજાવતા હતાં અને હાલ તે જ એસએમસીની ટીમે જ રાજકોટ રેન્જમાં દરોડો પાડતાં અધિકારીએ મોટી કાર્યવાહી કરી છે.