સારામાં સારી કેરીના એક બોક્સનુ રૂા.1250માં વેચાણ થયું: સૌરાષ્ટ્રભરમાંથી કેરી ખરીદવા વેપારીઓ ઉમટ્યા
તાલાલા પંથકનું સુપ્રસિદ્ધ અમૃતફળ કેસર કેરીની સિઝનનો શુભારંભ થયો છે.પ્રથમ દિવસે દશ કિલો ગ્રામના 10400 બોક્સ વેચાણમાં આવ્યા..તમામ જથ્થાબંધ વેપારી ભાઈઓએ પ્રથમ બોક્સ ગૌમાતાના લાભાર્થે હરરાજી કરી વેચાણનો શુભારંભ કર્યો હતો.આજે સારામાં સારી કેસર કેરીના એક બોકસ નું રૂ.1250 માં વેંચાણ થયું હતું જ્યારે નબળી કેરીના ભાવ રૂ.450 આસપાસ રહ્યા હતા.
તાલાલા યાર્ડમાં ગત વર્ષે પ્રથમ દિવસે દશ કિ.ગ્રા ના 14500 બોક્સની આવક થઈ હતી અને સારામાં સારી કેસર કેરીના એક બોકસ નું રૂ.1500 માં વેંચાણ થયું હોય આ વર્ષે બોક્સની આવક તથા ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.કેસર કેરીનો પાક ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછો થશે…તેમજ કેરીનો પાક પાછોતરો વધુ છે તેમ પ્રથમ દિવસે કેરી વેચવા આવેલા ખેડુતોએ જણાવ્યું હતું.પ્રથમ દિવસે તાલાલા યાર્ડમાં કેસર કેરી ખરીદવા સૌરાષ્ટ્રભરમાંથી કેરી તથા ફ્રુટના વેપારીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની હરરાજી નાં પ્રારંભ પ્રસંગે યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળા,નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ઉનડકટ,જીલ્લા સહકારી બેંકના ડિરેક્ટર ભુપતભાઇ હિરપરા,કિસાન અગ્રણી મહેન્દ્રભાઈ પિઠીયા વિગેરે ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહી કેસર કેરીની નવી સિઝનને ઉમળકાભેર વધાવી હતી.યાર્ડના સેક્રેટરી રમેશભાઈ ડાંડે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
તાલાલા યાર્ડમાં પાંચ પેઢી દ્રારા ગૌમાતાના લાભાર્થે પ્રથમ બોકસનું વેચાણ
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીના શુભારંભ પ્રસંગે અલગ અલગ પાંચ પેઢીના વેપારીઓએ પ્રથમ બોક્સ ગૌમાતાના લાભાર્થે વેચાણ કરી નવી સિઝનના ગણેશ કર્યા હતા જેમાં ભોલેબાબા મેંગો પ્રથમ બોક્સ રૂ.17 હજાર,ભાગ્યોદય મેંગો રૂ.11 હજાર 551,કિસાન મેંગો રૂ.11 હજાર 111,ભાગ્યલક્ષ્મી રૂ.10 હજાર 111,રામદુત મેંગો રૂ.08 હજાર માં પ્રથમ બોક્સ નું વેંચાણ થયું હતું.આ પાંચ પેઢી દ્રારા વેંચાણ થયેલ પ્રથમ કેરીના બોક્સની કુલ આવક રૂ.57 હજાર 770 વિવિધ ગૌશાળાની ગૌમાતાને અર્પણ કરવામાં આવી હતી.