મધરાતે રસ્તા પર સિંહ પરિવારનીલટાર, ઝુડવડલીમાં સિંહણે જલપાન કરી રસ્તો રોક્યો, વાહનચાલકોએ થંભાવ્યા વાહનો
ઉના અને ગીર ગઢડા પંથકમાં સિંહોની હાજરી હવે સામાન્ય વાત બની ગઈ છે. અહીં રાત પડતા જ સિંહ પ્રેમીઓ અને સ્થાનિકો પોતાની રીતે સિંહનું લોકેશન શોધવા નીકળી પડતા હોય છે, જે ક્યારેક વન વિભાગ ના સર્વે કરતા પણ વધુ ઝડપી સાબિત થાય છે. રાત્રિએ આ વિસ્તારમાં સિંહપરિવારની આવી જ એક અદભૂત અને રોમાંચક લટાર જોવા મળી હતી.ઝાખિયા-ઝુડવડલી રોડ પર ગત રાત્રિએ કુદરતનો અદભૂત નઝારો જોવા મળ્યો હતો. 66 કે.વી. સબ સ્ટેશન પાસે આવેલા પાણીના અવેડામાં એક સિંહણ શાંતિથી જલપાન કરતી જોવા મળી હતી. પાણી પીધા બાદ સિંહણ આગળ વધી અને રસ્તાની વચ્ચે જઈને બેસી ગઈ હતી. સિંહણના આ પગલાને કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોએ વાહનો થંભાવી દીધા હતા.થોડીવારમાં ત્યાં સિંહબાળ પણ પહોંચ્યું હતું. જાણે માતાને લેવા માટે જ આવ્યું હોય તેમ, સિંહ બાળે પોતાની માતા પાસે પહોંચીને વહાલ કર્યું હતું. આ ભાવનાત્મક મિલન બાદ બંનેએ ફરી એકવાર બે દિવસ જૂના ભેંસના મારણ તરફ પ્રયાણ કર્યું હતું અને ત્યાં મિજબાની માણી હતી.માત્ર ઝુડવડલી જ નહીં, પરંતુ ઝાખિયાથી ગીર ગઢડા રોડ પર પણ સિંહ પરિવારના દર્શન થયા હતા. રાત્રિના સમયે સિંહબાળ અને સિંહ પરિવારને રસ્તો પસાર કરતા જોઈ વાહનચાલકો સ્તબ્ધ થઈ ગયા હતા. જવાબદાર નાગરિક તરીકે વાહનચાલકોએ પોતાની ગાડીઓની ગતિ ધીમી કરી હતી અને આ અદભૂત દૃશ્યોને પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા.ઝુડવડલી થી ખિલાવડ સુધીના પંથકમાં સિંહોની સતત હિલચાલ જોવા મળી રહી છે. દૂર-દૂરથી લોકો અહીં સિંહ દર્શન કરવા આવી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા સિંહદર્શન કરતા લોકોમાં પણ સિંહ પ્રત્યે ખૂબ જ લગાવ છે અને તેઓ સિંહને પરેશાન કર્યા વિના દૂરથી જ દર્શન કરવાનો પ્રયાસ કરે છે, જે સારી બાબત છે. વન વિભાગે આ પટ્ટામાં પેટ્રોલિંગ વધારવાની જરૂર છે. જેથી અજાણતા કોઈ અપ્રિય ઘટના ન ઘટે અને માનવ-સિંહ બંનેની સુરક્ષા જળવાઈ રહે. રાત્રિના સમયે વાહન ચલાવતા લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ, કારણ કે સિંહોની અવરજવર સતત ચાલુ રહે છે.આ વિસ્તારના લોકો સિંહ અને માનવ વચ્ચેના સહઅસ્તિત્વને જાળવી રાખવા માટે સજાગ છે,