Jai Hind

સાયલામાં તસ્કરો બેફામ બન્યા: પરિવાર સુતો રહ્યો અને ઘરમાંથી લાખોની મતાની ચોરી

પોલીસ પેટ્રોલીંગના દાવાઓ પોકળ સાબીત થયા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં તસ્કરો હવે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. સાયલાના આંબેડકરનગર વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નહીં, પરંતુ પરિવારની હાજરીમાં જ મકાનને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી પોલીસ પેટ્રોલિંગના દાવાઓની પોકળતા છતી કરી છે.
મળતી માહિતી મુજબ, ગઈ રાતે સાયલાના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા એક પરિવારના સભ્યો રાત્રિના સમયે ગાઢ નિદ્રામાં હતા, ત્યારે તસ્કરોએ તકનો લાભ ઉઠાવ્યો હતો.તસ્કરોએ ઘરની બારીના લોખંડના સળિયા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. પરિવારના સભ્યો બાજુમાં જ સૂતા હોવા છતાં તસ્કરો અત્યંત ચાલાકીથી કિંમતી ઘરેણાં ચોરી કરી રવાના થઈ ગયા હતા. તસ્કરો કબાટમાંથી બુટ્ટી, બુટિયા સેટ, સોનાની ચેન અને લોકેટ સહિત આશરે 10 તોલા સોનું અને 500 ગ્રામ ચાંદીના દાગીના ચોરી કરી ગયા છે.
સાયલા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ પણ અનેક ચોરીની ઘટનાઓ બની ચૂકી છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તસ્કરો હજુ પણ પોલીસ પકડથી દૂર છે.