Jai Hind

વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સનો હુંકાર સેવાભાવી તબીબોની અન્યાયી બદલી રદ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

આંદોલનની ચીમકી

વિસાવદર તાલુકાના છેવાડાના ગામડાઓ અને ગીર પંથકની જનતા માટે આશીર્વાદ સમાન એવા બે નિષ્ઠાવાન તબીબો, ડો. એ.પી. ડોડીયા અને ડો. પી.જે. ફૂલેત્રાની અચાનક કરવામાં આવેલી બદલીના વિરોધમાં હવે ’ચેમ્બર ઓફ કોમર્સ – વિસાવદર’ મેદાને આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ કાનાબાર દ્વારા આ મામલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી આ આદેશ તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે, વિસાવદર તાલુકાને તાજેતરમાં જ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મંજૂરી મળી છે, પરંતુ અહીં સેવા આપતા બે કાર્યદક્ષ ડોક્ટરોની કોઈ પણ જાતની ફરિયાદ વગર ’સજા’ના ભાગરૂપે અંતરિયાળ વિસ્તારમાં બદલી કરી નાખવામાં આવી છે. આ નિર્ણયને કારણે વિસાવદર પંથકની ગરીબ જનતા અને દર્દીઓ પર ગંભીર અસરો પડી રહી છે. ચેમ્બર ઓફ કોમર્સે સવાલ ઉઠાવ્યો છે કે, વર્ષોથી રેલવે અને અન્ય પાયાની સમસ્યાઓથી પીડાતી વિસાવદરની પ્રજાને શા માટે વારંવાર રાજકીય અન્યાયનો ભોગ બનાવવામાં આવે છે?
સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે આ બદલી પાછળ કેટલાક બની બેઠેલા રાજકીય તત્વો અને કહેવાતા સમાજસેવકોની કિન્નાખોરી કામ કરી રહી છે. કોરોના કાળમાં સંકટ મોચન બનેલા અને લોકોના હૃદયમાં સ્થાન પામેલા આ તબીબોને પરત લાવવા માટે વિસાવદરની જનતા હવે આંદોલન અને ઉપવાસના માર્ગે જવાની પણ તૈયારી કરી રહી છે. ચેમ્બર ઓફ કોમર્સે ચીમકી ઉચ્ચારી છે કે જો આ બાબતે યોગ્ય ન્યાય કરી ડો. ડોડીયા અને ડો. ફૂલેત્રાને ફરીથી વિસાવદર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મુકવામાં નહીં આવે તો પ્રજાના હિતમાં જલદ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
આ રજૂઆતની નકલ રાજ્યના આરોગ્ય મંત્રીને પણ મોકલવામાં આવી છે અને વિસાવદરના વેપારી મંડળો તથા નાગરિકો આ લડતમાં એકસૂત્રતાથી જોડાવા સજ્જ થયા છે.