રાજકોટ મનપામાં વિજય વાવટો ફરકાવવા રાજકીય પક્ષોનું છેલ્લી ઘડીનું એડીચોટીનું જોર આજ સાંજથી સભા-સરઘસ બંધ, ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર જ પ્રચાર કરી શકશે
રાજકોટ મહાનગર પાલિકા, જીલ્લા-તાલુકા પંચાયત સહિત જીલ્લાની સ્થાનિક સ્વરાજની આગામી તા.26 એપ્રીલને રવિવારે યોજાનાર ચૂંટણીને આડે હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે. આવતીકાલ સાંજના પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત પડી જશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રાજકીય પક્ષોનો પ્રચાર હવે અંતિમ ચરણમાં પહોંચી ગયો હોય આવતીકાલે શુક્રવારના સાંજના પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થતાની સાથે જ જાહેરસભાઓ, લાઉસ સ્પીકરો અને રોડ શો મારફત થતા પ્રચાર પ્રસાર પર રોક લાગશે. તેની સાથોસાથ રાજકીય પક્ષોના કાર્યકરો અને આગેવાનોએ જે તે મત વિસ્તારના મતદાર ન હોય તેઓએ વિસ્તાર છોડવો પડશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને ઉપરાંત રાજકોટ શહેર અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ માઈક્રોપ્લાનીંગ સાથે ધડાધડ પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં બે દિવસ ડ્રાયડે જાહેર કરવામાં આવેલ છે. રાજય ચૂંટણી આયોગના નિયમો અનુસાર મતદાનના 48 કલાક પહેલા દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવે છે. આવતીકાલ સાંજથી પ્રચાર પડઘમ શાંત થતાની સાથે જ તા.26 એપ્રીલના મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી જીલ્લામાં દારૂના પરમીટના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. તેમજ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બુથો ઉપર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવનાર છે. આવતીકાલ સાંજથી ચૂંટણી પ્રચાર શાંત થતા ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર જ મતદારોનો સંપર્ક કરી શકશે.
ચૂંટણી અંગેની ફરિયાદો
માટે કંટ્રોલ રૂમ ધમધમતો
આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકો પોતાની રજૂઆતો કરી શકે તે માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર ખાતે ખાસ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ માટે 079 232 55951, 079 232 55953 તેમજ 079 232 57381 અને 079 232 57383 નંબર જાહેર કરવામાં આવ્યા છે. જે 25 તથા 26મી એપ્રિલના રોજ કાર્યરત રહેશે.
રાજકોટ તાલુકા-જિ.પં.ની ચૂંટણી માટે ઈવીએમ, ડિસ્પેચિંગ-રિસિવીંગ-મત ગણતરી સેન્ટરો જાહેર
રાજકોટ તાલુકામાં ત્રણેય કામગીરી સરકારી પોલીટેકનીક કોલેજ ભાવનગર રોડ, આજી ડોમ ચોકડી પાસે થશે. કોટડા સાંગાણી તાલુકામાં ઈ.વી.એમ. ડિસ્પેચિંગ તથા રિસિવિંગ માટે ઠાકોરશ્રી મુળવાજી વિનયન કોલેજ સેન્ટર નક્કી કરાયું. પરંતુ તેની મત ગણતરી કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ પડધરી ખાતે થશે. લોધીકા તાલુકા માટે ડિસ્પિંગ તથા રિસિવિંગની કામગીરી શ્રી એચ.પી. ખીમાણી વિદ્યાલય ખાતેતથી તથા મત ગણતરી કવીશ્રી દાદ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ પડધરી ખાતે થશે. પડધરી તાલુકામાં ત્રણેય કામગીરી કવીશ્રી દાદ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ ખાતે થશે. ગોંડલ તાલુકામાં ત્રણેય કામગીરી માટે સેન્ટમેરી સ્કુલ (ગુંદાળા રોડ) સેન્ટર નક્કી કરાયું છે. જેતપુર તાલુકા માટે સેન્ટ ફ્રાન્સીસ હાઇસ્કુલ (નવાગઢ) ખાતે કેન્દ્ર કાર્યરત રહેશે. ધોરાજી અને જામકંડોરણા બંને તાલુકાની ચૂંટણી પ્રક્રિયા માટે ડિસ્પેચિંગ, રિસિવિંગ તથા મત ગણતરીની કામગીરી નવી ભગવતસિંહજી હાઇસ્કુલ (સ્ટેશન રોડ, ધોરાજી) ખાતે થશે. ઉપલેટા માટે ટાવરવાળી તાલુકા શાળા નક્કી કરાઈ છે. તો જસદણ માટે મોડેલ સ્કૂલ-જસદણ અને વિંછીયા તાલુકા માટે તાલુકા સેવા સદન-વિંછીયા ખાતે સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે મહારાજા ભગવતસિંહજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને ડિસ્પેચિંગ, રિસીવિંગ અને કાઉન્ટિંગ સેન્ટર તરીકે જાહેર કરવામાં આવી છે.