રાજયના પાંચ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો: હીટવેવની આગાહીના પગલે આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં
સમગ્ર રાજયમાં ગુરૂવારથી ભીષણ ગરમીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. રાજયના પાંચ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. જયારે રાજકોટ 42.7 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર બન્યું છે.
રાજયના હવામાન વિભાગ દ્વારા ગુરૂવારથી રાજયમાં હીટવેવની આગાહી કરી હતી. આગાહી પ્રમાણે રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભીષણ ગરમીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. આગામી 7 દિવસમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઉંચકાશે. આગામી સાત દિવસ પશ્ચિમના પવનો ફુંકાતા વાતાવરણ સુકુ રહેશે. ખાસ કરીને 26મી તારીખે એટલે કે ચુંટણીના મતદાનના દિવસે તાપમાનનો પારો 43 ડિગ્રીની આસપાસ રહેવાની શકયતા છે. જયારે દરિયાકાંઠાના વિસ્તારોમાં 26મીએ તાપમાન 37થી 40 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરાઇ છે.
રાજયમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થયા બાદ રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે. તા.23ના રોજ 42.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યું છે. જયારે અમરેલીમાં 42.5, અમદાવાદમાં 41.5, ભુજમાં 41.2 અને ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજયમાં સતત વધતી ગરમીના કારણે બપોરના સમયે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. બપોરના સમયે ગરમ પવન અને અંગદઝાડતા તાપથી લોકો અકળાઇ ઉઠ્યા હતા. ટુ વ્હીલર ચાલકો અને રાહદારીઓ મોઢે રૂમાલ, ડુપટ્ટો બાંધીને નીકળ્યા હતા. આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગે બપોરે કામ વગર ઘરની બહાર નહીં નિકળવાની અપીલ કરી છે.
રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં બપોરના સમયે લુનું જોર રહેવા પામ્યું હતું. હિટવેવની આગાહીના પગલે આરોગ્ય વિભાગે જિલ્લાઓમાં હીટ હેલ્થ એકશન પ્લાન કાર્યરત કર્યા છે. તમામ સરકારી હોસ્પિટલોમાં પુરતી મર્યાદામાં દવા, આરઓએસ અને આઇસ પેકનો સ્ટોક સુનિશ્ચીત કરવા સુચના આપી દેવાઇ છે. આ ઉપરાંત દરેક જિલ્લા અને સબ ડિસ્ટ્રીકટ હોસ્પીટલમાં પાંચ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બે બેડના સમર્પિત હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમની સુવિધા પણ ઉભી કરાઇ છે.