સૌથી વધારે મતદાન મોરબી જિલ્લામાં 64.21 ટકા તો સૌથી ઓછુ મતદાન પોરબંદર જિલ્લામાં 44.63 ટકા નોંધાયું
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન થયું હતું. જેમાં મનપામાં 49.98, નગરપાલિકામાં 60, જિલ્લા પંચાયતમાં 61.55 અને તાલુકા પંચાયતમાં 62.37 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું. રાજકોટ સહિત ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા છે. તા. 28ના રોજ મતગણતરી થશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત રવિવારે મતદાન થયું છે. જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની 88 તાલુકા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારનું ભવિષ્ય આજે કચ્છ, સૌરાષ્ટ્રના મતદારો નક્કી કરશે. ગરમીના એટલે વચ્ચે સવારે 7 વાગ્યાથી મતદારો મતદાન માટે બુથ પર પહોંચ્યા હતાં. અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મતદાન કેન્દ્ર પર લોકો મતદાન પર લાઈન લગાવી હતી. દિવ્યાંગો, વૃદ્ધો, દુલ્હન, વરરાજાઓ મતદાન કરીને લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો.
ભાવનગરમાં 50.59 ટકા, ગીર સોમનાથમાં 58.92 ટકા, સુરેન્દ્રનગરમાં 57.90 ટકા મતદાન નોંધાયુ હતું. સૌથી વધારે મતદાન મોરબી જિલ્લામાં 64.21 ટકા અને સૌથી ઓછુ મતદાન પોરબંદર જિલ્લામાં 44.65 ટકા નોંધાયું છે. 12 જિલ્લાઓમાં સરેરાશ 54.60 ટકા જેટલુ મતદાન નોંધાયું હતું. સાંજે 6 વાગ્યે ઉમેદવારોના ભવિષ્ય ઈવીએમમાં સીલ થયું છે. તેમજ 28 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેલણ ગામેથી એક પ્રેરણાદાયી દ્રશ્ય સામે આવ્યું છે. જ્યાં એક દિવ્યાંગ યુવાને પ્રથમ વખત મતદાન કરીને લોકશાહી પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી છે.
રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતની કુલ 200 બેઠક પૈકી 4 બિન હરીફ થતાં 196 બેઠક માટે મતદાન થયું હતું. વેરાવળ તાલુકા પંચાયતમાં 71.70, તાલાલા તાલુકા પંચાયતમાં 69.05, સુત્રાપાડા તાલુકા પંચાયતમાં 69.05, કોડીનાર તાલુકા પંચાયતમાં 60.50, ઉના તાલુકા પંચાયતમાં 62.73, ગીર ગઢડા તાલુકા પંચાયતમાં 59.70 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે વેરાવળ, પાટણ નગરપાલિકામાં 69.81, તાલાલા નગરપાલિકામાં 64.09, સુત્રાપાડા નગરપાલિકામાં 81.7, ઉના નગરગપાલિકામાં 63.93 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે જિલ્લા પંચાયતની 28 બેઠક પર સરેરાશ 64.65 ટકા મતદાન નોંધાયું હતું.
ભાવનગર મહાનગરપાલિકામાં 54.86 મહુવા નગરપાલિકામાં 52.05, પાલિતાણા નગરપાલિકામાં 67.21, વલ્લભીપુર નગરપાલિકામાં 64.97 ટકા મતદાન નોંધાયું છે. ઉપરાંત ભાવનગર જિલ્લા પંચાયતમાં 55.60 ટકા મતદાન નોંધાયું હતું. તો ભાવનગર તાલુકા પંચાયતમાં 62.92, ગારિયાધાર તાલુકા પંચાયતમાં 53.16, મહુવા તાલુકા પંચાયતમાં 56.70, જેસર તાલુકા પંચાયતમાં 56.80, પાલિતાણા તાલુકા પંચાયતમાં 58.25, ઘોઘા તાલુકા પંચાયતમાં 60.47, સિંહોર તાલુકા પંચાયતમાં 55.91, ઉમરાળા તાલુકા પંચાયતમાં 54.94, વલ્લભીપુર તાલુકા પંચાયતમાં 61.13 અને તળાજા તાલુકા પંચાયતમાં 57.91 ટકા મતદાન નોંધાયું છે.
અમરેલી જિલ્લા પંચાયતમાં 52.99 અને તાલુકા પંચાયતોમાં સરેરાશ 52.89 ટકા મતદાન નોંધાયું હતું. પોરબંદર જિલ્લા પંચાયતમાં સરેરાશ 50.83 ટકા અને તાલુકા પંચાયતોમાં સરેરાશ 50.77 ટકા મતદાન નોંધાયું છે.