આકરા તાપ વચ્ચે મતદાન : રાજકીય દિગ્ગજોએ મતાધિકારનો ઉપયોગ કર્યો
પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું છે. નગરપાલિકાની 24 બેઠકો, જિલ્લા પંચાયતની 3 અને તાલુકા પંચાયતની 18 બેઠકો માટે આજે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. પ્રચંડ ગરમીની આગાહી વચ્ચે મતદારો સવારથી જ મતદાન મથકો પર ઉમટી પડ્યા હતા.
ચૂંટણીના આ જંગમાં પ્રદેશ ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણે વતન ચોટીલા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કરી લોકોને લોકશાહીના આ પર્વમાં જોડાવા અપીલ કરી હતી. શહેર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.ચૂંટણી પૂર્વેની અંતિમ રાત એટલે કે ’કતલની રાત’માં રાજકીય પક્ષો દ્વારા ભારે કવાયત હાથ ધરવામાં આવી હતી.ગાબડાં રોકવાની કવાયત: વિરોધી પક્ષ કોઈ ગાબડું ન પાડે તે માટે મોટું મતદાન ધરાવતા સમાજના આગેવાનો પર રાતભર ‘વોચ’ રાખવામાં આવી હતી.
વ્યૂહરચના દરેક પક્ષે જીત સુનિશ્ચિત કરવા માટે આખી રાત તોડજોડ અને મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું.છેલ્લી રાત્રે મફતિયાપરા વિસ્તારમાં આપ ના ઉમેદવાર દ્વારા કોગ્રેસ ને ટેકો જાહેર કરી આપ ની જંગ નો ફિયાસ્કો કર્યાના ફોટા વાયરલ થયા હતાછેલ્લા કેટલાક દિવસોથી આકાશમાંથી વરસી રહેલી આગ અને શરીર દઝાડતી ગરમીને કારણે ઉમેદવારોએ પ્રચાર માટે દિવસ કરતા રાત્રે વધુ પરસેવો પાડવો પડ્યો હતો. ચોટીલા નગરપાલિકાના કેટલાક વોર્ડમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે, જેમાં વોર્ડ નં 3,4, 5 અને 6 મા કેટલું ક્રોસ વોટીંગ કોને નડશે તે અટકળો અને પરિણામો અંગે કુતૂહલ જગાડ્યું છે.ગત વર્ષે ભાજપે 24 માંથી 22 બેઠકો મેળવી ભવ્ય વિજય મેળવ્યો હતો. આ વખતે વિપક્ષો પણ પોતાનું વર્ચસ્વ ફરી સ્થાપવા સક્રિય બન્યા છે. ત્યારે મતદારો પરિવર્તન લાવશે કે પુનરાવર્તન? તે જોવું રસપ્રદ રહેશે. હાલ તો લોકોના મન કળવા નેતાઓ માટે અઘરા સાબિત થઈ રહ્યા છે.