તા. 28મીએ સાત ઉમેદવારોના ભાવીનો ફેંસલો થશે
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે આજે તાલુકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. વીરપુર તાલુકા પંચાયતની બે બેઠકો અને જિલ્લા પંચાયતની એક બેઠક પર સરેરાશ 53.73% જેટલું મતદાન નોંધાયું છે. આ સાથે જ ચૂંટણી મેદાનમાં ઝંપલાવનાર કુલ 7 ઉમેદવારોના રાજકીય ભાવિ હવે ઈવીએમ (ઊટખ) માં કેદ થયા છે.
ત્રિપાંખિયો જંગ અને રાજકીય પ્રતિષ્ઠાનો સવાલ છે ત્યારે વીરપુર-1 અને વીરપુર-2 તાલુકા પંચાયત બેઠક તેમજ જિલ્લા પંચાયતની બેઠક પર આ વખતે મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (અઅઙ) વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. ત્રણેય મુખ્ય પક્ષોએ એડીચોટીનું જોર લગાવતા આ પેટાચૂંટણી રસાકસીભરી બની રહી છે.ગરમી અને લગ્નસરાની અસર મતદાન પર દેખાઈ હતી, આજના મતદાન દરમિયાન કુદરતી અને સામાજિક પરિબળોની સીધી અસર જોવા મળી હતી.
ભારે ઉનાળો અને હિટવેવના કારણે આકાશમાંથી વરસી રહેલી આગ અને કાળઝાળ ગરમીને કારણે બપોરના સમયે મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી.
મતદારોએ સવારના વહેલા સમયમાં અથવા સાંજના સમયે મતદાન કરવાનું વધુ પસંદ કર્યું હતું.સાથે સાથે અત્યારે લગ્નની સિઝન પૂરબહારમાં ખીલી હોવાથી અનેક મતદારો સામાજિક પ્રસંગોમાં વ્યસ્ત હોવાને કારણે પણ મતદાનની ટકાવારી પર તેની અસર સ્પષ્ટપણે વર્તાઈ હતી.
આવતીકાલે થશે ફેંસલો દિવસભરના ધીમા પણ મક્કમ મતદાન બાદ હવે સૌની નજર આવતીકાલે યોજાનારી મતગણતરી પર છે. યાત્રાધામની આ બેઠકો પર કયો પક્ષ બાજી મારશે અને જનતા કોના પર પસંદગીનો કળશ ઢોળશે, તે આવતીકાલે 28 મીએ સ્પષ્ટ થઈ જશે.વહીવટી તંત્ર દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરિણામો જાહેર કરવામાં આવશે.