કૈલાસ ટેકરી સગાપરા ધામ ક્ષેત્રમાં રામકથાની પૂર્ણાહૂતિ
શ્રી કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા પૂર્ણાહુતિ થઈ. રામ, ભરત અને હનુમાનજીની યાત્રા સમજાય તો રામાયણ સાર પ્રાપ્ત થાય તેમ મોરારિબાપુએ સમજાવ્યું હતું.
ગોહિલવાડના શત્રુંજય તીર્થ સ્થાન કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં ગાદીપતિ લાલગિરિબાપુ ગુરુ વિજયગિરિબાપુના સંકલ્પ અને સેવક સમુદાયના સહયોગ સાથે મોરારિબાપુના વ્યાસાસને રામકથા ’માનસ શિવ સંકલ્પ’ ગાન લાભ મળ્યો, જેની આજે ભાવભેર પૂર્ણાહુતિ થઈ.
રામચરિત માનસ બાલકાંડની ચોપાઈ પંક્તિ ’હરિ ઈચ્છા ભાવી બલવાના, હૃદય બિચારત શંભુ સુજાના તબ સંકર પ્રભુ પદ સિરુ નાવા, સુમિરત રામુ હૃદય અસ આવા એહિ તન સતિહિ ભેટ મોહી નાહીં, સિવ સંકલ્પુ કીન્હ મન માહીં’ કેન્દ્રસ્થાને રાખી મોરારિબાપુ દ્વારા ભાવસભર રામકથા ગાન થયું.
પૂર્ણાહુતિ પ્રસંગે મોરારિબાપુએ સમજાવ્યું કે, રામ, ભરત અને હનુમાનજીની યાત્રા સમજાય તો રામાયણ સાર પ્રાપ્ત થાય. અયોધ્યાથી જનકપુર શ્રી રામજી, અયોધ્યાથી ચિત્રકૂટ ભરતજી અને સંપાતિગુરુ આશ્રમથી અશોકવાટિકા શ્રી હનુમાનજી, એમ ત્રણેયને આવેલાં વિઘ્નો અને પછીની સફળતા એ સાર છે. દુષ્ટોને એક થતાં વાર નથી લાગતી, સજ્જનો એક થઈ શકતાં નથી, આ સમજાતું નથી, જે દુર્ભાગ્ય ગણાવ્યું.
મોરારિબાપુએ રામકથાના અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ સહિત રામચરિત માનસ ક્થા સમાપન દરમિયાન વિવિધ દૃષ્ટાંતો અને સંકીર્તન રચનાઓ સાથે સાંપ્રત કાળમાં રામચરિત કથાની ભૂમિકા અંગે સમજ આપી અને તેઓએ સૌ પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો.
ક્થા પૂર્ણાહુતિ પ્રસંગે ગુરુ સ્મરણ સાથે લાલગિરિબાપુએ મોરારિબાપુ અને સહયોગીઓ પ્રત્યે અહોભાવ આભાર વ્યક્ત કર્યો. આ સાથે જ દિનેશભાઈ પટેલ તથા લાલજીભાઈ જોગરાણા દ્વારા પણ પ્રાસંગિક આભાર ભાવ પ્રસ્તુત થયો.
શનિવાર તા.18થી રવિવાર તા.26 દરમિયાન યોજાયેલ આ કથામાં પ્રારંભિક સંચાલનમાં ઉદ્ઘોષક દિલીપભાઈ રાજ્યગુરુ રહ્યા. સમગ્ર વ્યવસ્થા સંકલનમાં મૂકેશગિરિ મહારાજ સાથે અગ્રણીઓ તેમજ આસપાસના પંથકના સેવાભાવી સેવક કાર્યકર્તાઓ રહ્યાં.