મોરબી અને પોરબંદર મનપામાં તમામ બેઠકો પર ભાજપની કલીનસ્વીપ પ્રથમ ટર્મમાં જ વિપક્ષ વિહોણી બની: રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ભગવો
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પણ કેશરીયો માહોલ: કેટલીક સંસ્થાઓમાં કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી નહીં
સ્થાનીક સ્વરાજયની ચુંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકામાં ભાજપે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. સૌરાષ્ટ્રની 1000થી વધુ બેઠકો પર કમળ ખીલ્યું છે તો કોંગ્રેસ ખાતુ ખોલાવી પણ શકયું નથી. આપે લોકોને આશા જગાવી છે અને સૌરાષ્ટ્રમાં 25થી વધુ બેઠકો પર જીત મેળવી છે અને પોતાનો જનાધાર વધાર્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકમાંથી 67 બેઠક પર ભાજપનો વિજય થયો છે. 7 બેઠકો પર કોંગ્રેસે કબજો મેળવ્યો છે. વોર્ડ નં.16માં જીત મેળવવામાં કોંગ્રેસને સફળતા મળી છે. જયારે કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નં.15માં ભાજપ પેનલ તોડવામાં સફળ રહી છે અને લડાયક નેતા તરીકે જાણીતા કોંગ્રેસના ઉમેદવાર વસરામ સાગઠીયાની હાર થઇ છે. જિલ્લા પંચાયતની 36 બેઠકોમાંથી 34માં ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. કોલકી બેઠક પર કોંગ્રેસ વિજેતા થઇ છે. જયારે મોવૈયામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે. જિલ્લાની 11 તાલુકા પંચાયતની 198 બેઠકમાંથી 4 બેઠક અગાઉ જ બિનહરીફ જાહેર થઇ હતી. આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયતની એક બેઠક પર જીત મેળવી છે જયારે કોંગ્રેસે ત્રણ બેઠક કબજે કરી છે.
પોરબંદર મહાનગરપાલિકામાં પ્રથમ વખત મનપા બન્યા બાદ ચુંટણી યોજાઇ હતી જેમાં 13 વોર્ડની 52 બેઠક પર ભાજપે વિજય મેળવ્યો છે. જિલ્લા પંચાયતની 18 બેઠકો પૈકી બે બેઠકો અગાઉ બિનહરીફ જાહેર થઇ હતી અને 16 બેઠક પર ચુંટણી યોજવામાં આવી હતી. જેમાં મોટાભાગની બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જયારે રાજયના મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાના ગામમાં ભાજપના મતમાં ગાબડું પડયું છે અને આમઆદમી પાર્ટીએ મોઢવાડા બેઠક પર જીત મેળવી હતી. તાલુકા પંચાયત પર અપક્ષ અને કોંગ્રેસને એક એક બેઠક મળી હતી. જયારે અન્ય બેઠકો પર ભાજપનો વિજય થયો છે.
અમરેલી જિલ્લા પંચાયતમાં 34 બેઠક પર પરિણામ જાહેર થયું છે. જેમાં 31 બેઠક પર ભાજપનો વિજય થયો છે. બે બેઠક પર આમ આદમી પાર્ટી અને એકમાં કોંગ્રેસે સફળતા મેળવી છે. જ્યારે તાલુકા પંચાયતની 18 બેઠકમાંથી ભાજપે 16 બેઠક, કોંગ્રેસે 1 અને આમ આદમી પાર્ટીએ 1 બેઠક પર જીત મેળવી છે. નગરપાલિકાની 44 બેઠકમાંથી 27માં ભાજપ, 13માં કોંગ્રેસ, 1 માં અપક્ષનો વિજય થયો છે.
જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠકમાંથી ભાજપ 23માં અને આમ આદમીપાર્ટી 7 બેઠક પર વિજય બની છે. કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકી નથી. તાલુકા પંચાયતની 158 બેઠકમાંથી ભાજપ 87, કોંગ્રેસ 19, આપ 49 અને અપક્ષ ત્રણ બેઠક જીતવામાં સફળ થયું છે. કેશોદ નગરપાલિકાની 36 બેઠકમાંથી 3 કોંગ્રેસ, 33માં ભાજપનો વિજય થયો છે.
જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકમાંથી 60માં ભાજપ, 2 માં કોંગ્રેસ અને 2 માં આપનો વિજય થયો છે. જામનગર મનપામાં આશ્ર્ચર્યની વાત એ છે કે, ગુજસીટોકના આરોપમાં જેલમાં રહેલા કોંગ્રેસ અને આપના આરોપીઓ પણ વિજેતા બન્યા છે. જિલ્લા પંચાયતની 24માંથી 18માં ભાજપ, 3 માં આપ, બેમાં કોંગ્રેસ અને 1 બિન હરીફ બેઠક થઈ છે. 6 તાલુકા પંચાયતમાંથી પાંચમાં ભાજપ અને એકમાં આપ વિજેતા થયું છે.
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. જેના 13 વોર્ડની 52 બેઠક પર ભાજપે વિરોધીઓને ધ્વસ્ત કર્યા છે અને તમામ સીટો પર કબ્જો મેળવ્યો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા સહિત જિલ્લાની કુલ 250 બેઠક પર પરિણામ જાહેર થયું હતું. જેમાં 179 બેઠક પર ભાજપ, 59 બેઠકમાં કોંગ્રેસ, 6 માં આપ, 3 માં બસપા અને 1 બેઠકપર અપક્ષનો વિજય થયો છે.
ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતની 28 બેઠકમાંથી 22 માં ભાજપ, 6 માં કોંગ્રેસને સફળતા મળી છે. તાલુકા પંચાયતની કુલ 128 બેઠકમાં 82માં ભાજપ, 36માં કોંગ્રેસ, 9 માં આપ અને 1 બેઠક પર અપક્ષ જીતી છે. નગરપાલિકાની 128માંથી 104માં ભાજપ અને 24માં કોંગ્રેસનો વિજય થયો છે.
ભાવનગર મહાપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. મહાનગરપાલિકાની 52 બેઠકમાંથી 44 માં ભાજપ અને 8 માં કોંગ્રેસ તેમજ જિલ્લા પંચાયતની 40 બેઠકમાંથી 32માં કોંગ્રેસ અને 2 માં આપ તાલુકા પંચાયતની 20 બેઠકમાંથી 16માં ભાજપ અને 4 માં કોંગ્રેસ સહિત જિલ્લાની 398 બેઠકમાંથી 279માં ભાજપ અને 62માં કોંગ્રેસનો વિજય થયો છે.
દ્વારકા જિલ્લા પંચાયતમાં કુલ 22 બેઠકમાંથી 18માં ભાજપ, 3 માં કોંગ્રેસ અને 1 માં આપનો વિજય થયો હતો. જિલ્લાની પાંચ તાલુકા પંચાયતની 80 બેઠકમાંથી 61માં ભાજપ, 11માં કોંગ્રેસ અને 8 સીટ પર આમ આદમીપાર્ટીના ઉમેદવારોએ જીત મેળવી છે.
સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો પર ભાજપે કબ્જો જમાવ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણીનો રોડ મેપ જાણે તૈયાર થયો હોય તેવો ઘાટ સર્જાયો છે. વિધાનસભાની ચૂંટણીના બદલાતા સમીકરણોની અસર પણ વર્તાઈ રહી છે. ભાજપનો ભગવો લહેરાતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વિજય ઉમેદવારોનું સરઘસ કાઢી મોઢા મીઠા કરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લાની સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસનો ઝળહળતો વિજય, સત્તા કબ્જે કરી
જામનગર તાલુકા ની સિક્કા નગરપાલિકા ની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખતાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે. કુલ 28 બેઠકોમાંથી કોંગ્રેસે 16 બેઠકો જીતીને બહુમતી મેળવી છે, જ્યારે ભાજપે 9 બેઠકો મેળવી છે અને ઓલ ઈન્ડિયા મજબીસ એ એતીહાદૂલ ના ઉમેદવારોએ 3 બેઠકો જીત્યાં છે. સમગ્ર વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ પરિણામો દર્શાવે છે કે સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસ પ્રત્યે મતદારોનો વિશ્વાસ યથાવત્ રહ્યો છે અને પક્ષે પોતાની રાજકીય પકડ મજબૂત રાખી છે. ભાજપ માટે આ પરિણામ પડકારરૂપ ગણાઈ રહ્યું છે, જ્યારે અન્ય ઉમેદવારોએ પણ પોતાની હાજરી નોંધાવી છે. સિક્કા નગરપાલિકાની આ ચૂંટણીનું પરિણામ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યું છે, ખાસ કરીને એકમાત્ર આ નગરપાલિકામાં કોંગ્રેસે વિજય મેળવતા રાજકીય સમીકરણોમાં નવી ચહલપહલ જોવા મળી રહી છે.