Jai Hind

RMCમાં કોંગ્રેસને 3 બેઠકનો લાભ, પણ હરખાવા જેવુ નથી

મોટા માથાઓમાં અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, વશરામભાઇ સાગઠિયા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના સગા બહેન નયનાબા જાડેજા, ઠાકરશીભાઇ ગજેરા, રણજીત મુંધવા, પ્રિતિબેન દેસાઇ, સંજય અજુડિયા, ઉર્વશીબા જાડેજા સહિતનાની હારના આઘાતમાંથી બહાર આવતા કોંગ્રેસને વાર લાગશે

કોંગ્રેસના ગઢ વોર્ડ નં.15માં ગાબડુ પાડવામા ભાજપની રણનીતિ સફળ રહી, અન્ય વોર્ડમાં પણ ત્રીજા ક્રમે કોંગ્રેસ ધકેલાઇ ગઇ

રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસને વધુ એકવાર વિપક્ષમાં બેસવાની નોબત આવી છે. ભાજપના સુનામી હેઠળ કારમો પરાજય તો થયો છે પણ હાલત હદ સે બદતર એવી થઇ છે કે, અનેક વોર્ડમાં આમઆદમી પાર્ટીએ પણ પછડાટ આપીને કોંગ્રેસને ત્રીજા ક્રમે ધકેલી દીધી છે. જેમના પર પાર્ટીનો પૂરો દારોમદાર હતો તેવા મોટા ગજાના ઉમેદવારોની ભુંડી હાર થઇ છે. ગાજ્યા મેહ વરસ્યા નહીં એવી હાલત વચ્ચે કોંગ્રેસના ધુરંધર નેતાઓને ફરી એકવખત પાંચ વર્ષ સુધી મનપાના રાજકારણમાં જનતા જનાર્દને નો-એન્ટ્રી ફરમાવી દીધી છે. મોટા માથાઓમાં અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, ગત ટર્મના વિપક્ષી નેતા અને ભાજપને બરોબરની ટક્કર આપી શકે તેવા વશરામભાઇ સાગઠિયા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના સગા બહેન નયનાબા જાડેજા, ઠાકરશીભાઇ ગજેરા, લડાયક આગેવાન રણજીત મુંધવા, પ્રિતિબેન દેસાઇ, પૂર્વ શહેર પ્રમુખ સંજય અજુડિયા, ઉર્વશીબા જાડેજા સહિતનાની હાર થઇ છે. જો કે ગત ટર્મ કરતા ત્રણ સીટ કોંગ્રેસને વધુ મળી છે પણ તેમા હરખા જેવુ એટલા માટે નથી કે પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની આંચકાજનક હાર થઇ છે. વશરામભાઇ જે વોર્ડમાં હાર્યા છે એ વોર્ડ નં.15માં કોંગ્રેસના ત્રણ નગરસેવકો ચૂંટાયા છે. આ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેની પેનલ તૂટી છે.

ભાજપના તમામ 14 મોટા માથાઓ જીત્યા, કોંગ્રેસના 12 મોટા માથાને માથાભેર પછડાટ


ભાજપે આ વખતે મોટાભાગના ઉમેદવારો નવા મુક્યા હતા. 72માંથી માત્ર 14 ઉમેદવારો એવા માની શકાય કે જે મોટા માથા કહી શકાય. જેમા પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, કાળુભાઇ કુંગશિયા, કંકુબેન ઉધરેજા, પરેશભાઇ પીપળિયા, નેહલભાઇ શુક્લ, રાજુભાઇ અઘેરા, જ્યોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઇ ભોરણિયા, પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ, હીરેન ખીમાણિયા, કેતન પટેલ, સંજયસિંહ રાણા સહિત તમામ 14 મોટા માથાઓ જીત્યા છે. સામે કોંગ્રેસમાંથી ધરખમ કહી શકાય કે તેવા ચહેરાઓમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના સગા બહેન નયનાબા જાડેજા, ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, ઠાકરશી ગજેરા, રણજીત મુંધવા, પ્રતિબેન દેસાઇ, આર.જે. આભા દેસાઇ, ઉર્વશીબા જાડેજા, સંજય અજુડિયા, વશરામ સાગઠિયા, ઇબ્રાહીમ સોરા સહિત 12 મોટા મથાઓ માથાભેર પછડાટ મળી છે.