એકને સારવારમાં ખસેડાયો: ધાર્મિક ઉત્સવમાં રમકડા વેંચવા આવેલા પરિવાર પર આભ ફાટયું
દ્વારકા નજીકના વરવાળા ગામે તળાવમાં ડૂબી જવાના કારણે બે નાના બાળકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે એક બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ કરુણ બનાવની મળતી માહિતી મુજબ દ્વારકા પંથકમાં રહેતા શ્રમિક પરિવારના કેટલાક સભ્યો ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે વરવાળા ગામે રમકડાં વેચવા માટે આવ્યા હતા. આ દરમિયાન તેમના બાળકો નજીક આવેલા તળાવ પાસે રમતા હતા. ત્યારે અચાનક તેઓ પાણીમાં ઊતરી ગયા અને ડૂબી જવાની દુર્ઘટના બની હતી. આ ઘટનામાં 12 વર્ષના રાજીવ, અને 10 વર્ષના અજય નામના બે બાળકોના ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યા હતા. આ સાથે અન્ય એક ત્રીજા બાળકને તાત્કાલિક સારવાર અર્થે દ્વારકાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ કરુણ બનાવે મૃતકના પરિવારજનોમાં આક્રંદ સાથે ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.