માંગલધામ ભગુડામાં ભવ્ય અને દિવ્ય 30મો પરમોત્સવ અને માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાયો
ગોહિલવાડનાં શક્તિસ્થાન માંગલધામ ભગુડામાં ભવ્ય અને દિવ્ય 30મો પરમ્ ઉત્સવ અને માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાયો. આ પ્રસંગે મોરારિબાપુએ માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા હોવાનું જણાવ્યું.
માંગલધામ ભગુડામાં મંગળવારે પરમ્ ઉત્સવ અને માંગલ શક્તિ સન્માન સમારોહમાં શ્રી મોરારિબાપુની સંનિધિ અને માયાભાઈ આહિર તથા શ્રી કિર્તીદાન ગઢવીના સંકલન સાથે વિરાટ સંખ્યામાં ભાવિક ભક્તોએ આસ્થા અને ઉત્સાહભેર લાભ લીધો હતો.
ગોહિલવાડનાં શક્તિસ્થાન માંગલધામ ભગુડામાં આ સમારોહ પ્રસંગે શ્રી મોરારિબાપુએ માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા હોવાનું જણાવ્યું.
મોરારિબાપુએ અરવિંદજી સાથેનાં માતાજીનાં ઉલ્લેખ સાથે યુવાનોમાં શ્રધ્ધા, શક્તિ, સન્મતિ, ભક્તિ અને વિરક્તિ એ હોવા જોઈએ, જે માતાજી આપી શકે. અહીંયા યુવાનોની વિશેષ ઉપસ્થિતિનો રાજીપો વ્યક્ત કર્યો. અહીંયા માતાજીના પરચા અને ચમત્કારની અંધશ્રધ્ધા નહી પરંતુ રૂબરૂ અનોખા પરિચયનું મહાત્મ્ય જણાવી કંઈક નવું થઈ રહ્યાનો ભાવ વ્યક્ત કર્યો અને આ સ્થાનમાં સ્પર્ધા નહીં પણ સંવાદ અને શ્રધ્ધાના પ્રસંગનો વિશેષ રાજીપો વ્યક્ત કર્યો.
જાણીતાં ઉદ્ઘોષક વક્તા મહેશભાઈ ગઢવીના સંચાલન નેતૃત્વ સાથે શક્તિ તીર્થસ્થાન ભગુડામાં ભવ્ય અને દિવ્ય 30મો પરમ્ ઉત્સવ અને માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાયો, જેમાં શ્રી મેકરણભાઈ લીલા, શ્રી દુલેરાય કારાણી, શ્રી ભુદરભાઈ જોષી, શ્રી પાલરૂભા ગઢવી, શ્રી ઘનશ્યામ કવિ તથા શ્રી પ્રભુદાનજી સુરૂ સન્માનિત થયાં. આ સાથે જ શ્રી મહેશભાઈ જીવાણી, શ્રી ગોવિંદભાઈ ધોળકિયા તથા શ્રી દેવન્દ્રભાઈ દવેને વિશેષ સન્માન એનાયત થયાં. આ પ્રસંગે માયાભાઈ આહિરનું સુવર્ણપાઘ વડે વિશેષ અભિવાદન થયું. કિર્તીદાન ગઢવીને વિશેષ સન્માન ભેટ અર્પણ થયેલ. આ વર્ષે શક્તિસ્થાનો શ્રી મોગલધામ ભીમરાણા, શ્રી ઉમિયાધામ ઊંઝા, શ્રી ખોડિયાર મંદિર કાગવડ, શ્રી અંબાજીધામ અંબાજી તથા શ્રી બુટવાની ધામ અરણેજ માટે વિશેષ સન્માન વંદના કરવામાં આવેલ. આ ધર્મોત્સવ પ્રસંગે સનાતન સંતો અને ધાર્મિક મહાનુભાવો શેરનાથબાપુ, ભક્તિરામબાપુ, બાલકનાથબાપુ, લહેરગિરિબાપુ, ધનસુખનાથબાપુ, રણજીતઆતા, ગિરીશ આપા, દેવલ મા, દક્ષા મા, ખમુમાઈ, કંચન મા, રૂપલ મા, કથાકાર જીગ્નેશદાદા, આશિષભાઈ વ્યાસ, રાજુદાદા જોષી વગેરેનું સાનિધ્ય રહ્યું.
રાજકીય મહાનુભાવો અને અગ્રણીઓમાં મંત્રી જીતુભાઈ વાઘાણી, અર્જુનભાઈ મોઢવડિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિકભાઈ વેકરિયા, ભરતભાઈ સુતરિયા, શિવાભાઈ ગોહિલ, અમરીશભાઈ ડેર, દિગ્વિજયસિંહ ગોહિલ, ધવલભાઈ દવે, ભરતભાઈ ડાંગર, હિરાભાઈ ભરવાડ, શ્રી ભોળાભાઈ રબારી, ડાયાભાઈ ભરવાડ, બાબુભાઈ પટેલ સહિત પંથકના અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.