Jai Hind

ભેંસાણ તાલુકા પંચાયતમાં બહુમતી આપને પરંતુ પ્રમુખપદે ભાજપના ઉમેદવાર

SC અનામત હોવાથી રાણપુર-2ના ઉમેદવાર બનશે તાલુકા પંચાયત પ્રમુખ

ભેસાણા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ હાથમાં આવેલ કોળિયો મોમાં ન આવ્યા જેવી થઈ છે કારણ કે અહીં ભાજપને બહુમતી પડી છે પરંતુ પ્રમુખ પદે ભાજપના સભ્યને બેસાડવા પડે તેવી નોબત સામે આવી છે. ભેસાણ તાલુકા પંચાયત માટે આ વખતે મતદારોએ જનાદેશ આમ આદમી પાર્ટી તરફે આપ્યો છે મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં ભેસાણ તાલુકાના મતદાતાઓએ આમ આદમી પાર્ટીને 13 સીટ આપી ભવ્ય વિજય અપાવ્યો છે અને અહીંની સતાધારી ભાજપ પક્ષને જાકારો આપતા માત્ર ત્રણ સીટો આવી છે પરંતુ “પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા” જેવો ઘાટ અહીં ઘડાયો છે કારણ કે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા 13 પૈકી એક પણ સભ્ય અનુસૂચિત જાતિના નથી અને આ વખતે ભેસાણ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે અનુસૂચિત અનામત સીટ હોવાથી ભાજપના રાણપુર સીટ ઉપરથી વિજેતા થનાર સભ્ય ભીખાભાઈ દાનાભાઈ મકવાણા પ્રમુખ પદે આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
જોકે, નિયમોનુસાર, ભેસાણ તાલુકા પંચાયતમાં 16 બેઠકો પૈકી માત્ર ત્રણ બેઠકો હાંસિલ કરનારા ભાજપના સભ્ય પ્રમુખ બનશે અને ભાજપ સત્તા ઉપર આવશે, પરંતુ તેર બેઠકો સાથે ભવ્ય વિજય મેળવનાર આમ આદમી પાર્ટીના સભ્યો જ ઉપ-પ્રમુખ, કારોબારી તથા વિવિધ સમિતિના ચેરમેન તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બનશે અને તમામ ઠરાવો પણ આપ દ્વારા બહુમતીથી પસાર થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભેંસાણ તાલુકા પંચાયતની ગત 2021 સાલની ચૂંટણીમાં કુલ 16 સીટ પૈકી કોંગ્રેસને 9 બેઠક અને ભાજપને 7 બેઠક મળી હતી, પરંતુ અહીં ભાજપનું શાસન રહ્યું હતું, જ્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસનો અહીં સફાયો થઈ ગયો છે અને ભાજપને ગત ચૂંટણી કરતા 4 બેઠકો ઓછી મળી છે અને માત્ર 3 સભ્યો જ ચૂંટાયા છે છતાં માત્ર 3 સીટ જીતનાર ભાજપના ઉમેદવાર પ્રમુખ પદે આવે તેવા સમીકરણો રચાયા છે.