મહેનતનો કોઈ વિકલ્પ નથી અને મહેનતનું પરિણામ હંમેશા ફળદાયી હોય છે : કુલપતિ ડો. પ્રતાપસિંહજી ચૌહાણ
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ સંલગ્ન અનુસ્નાતક કક્ષાનાં અભ્યાસક્રમથી જોડાયેલ કોલેજો અને યુનિ.નાં અનુસ્નાતક ભવનોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સેમેસ્ટર- 2 અને સેમેસ્ટર-4ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે.
ગુજરાતી, ઈતિહાસ, સંસ્કૃત, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, માઈક્રોબાયોલોજી બોટની, એન્વાયરમેન્ટ સાયન્સ, સમાજશાસ્ત્ર અને સમાજકાર્ય, કોમર્સ અને મેનેજમેન્ટ, અંગ્રેજી, સહિત વિવિધ અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનાં અભ્યાસક્રમોની સેમેસ્ટર -2 અને 4 ની પરીક્ષાઓ શરૂ થતાં યુનિ. ભવનમાં સેમેસ્ટર-2માં 298 અને સેમેસ્ટર-4માં 251 વિદ્યાર્થીઓ મળીને કુલ 549 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે.
દરમિયાન યુનિ.નાં કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે વિવિધ પરીક્ષા કક્ષની ઓચીંતી મુલાકાત લઇ પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા નિયમિત અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્રોમાં બેઠક વ્યવસ્થા, પ્રશ્નપત્રોની સુરક્ષા, પરીક્ષા દરમિયાન શિસ્ત અને પરીક્ષાર્થીઓને ઉપલબ્ધ સુવિધાઓ અંગે કેન્દ્રના સુપરવાઇઝર તથા નિરીક્ષકો સાથે ચર્ચા કરી પરીક્ષાઓ યુનિવર્સિટીના નિયમો અને માર્ગદર્શિકા મુજબ સુચારૂ રીતે યોજાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. તેમજ પરીક્ષાર્થીઓને શાંતિપૂર્ણ અને અનુકૂળ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે કેન્દ્ર સંચાલકોને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આ તકે કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૈાહાણે અનુસ્નાતક અભ્યાસક્રમમાં પરીક્ષા આપી રહેલ તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભાવીની શુભકામનાં પાઠવી જણાવ્યુ હતુ કે, આત્મ વિશ્વાસ, નિયમિત મહેનત અને સકારાત્મક વિચારસરણી સાથે તમે નિશ્ચિત સફળતા પ્રાપ્ત કરશો જ, મહેનતનો કોઈ વિકલ્પ નથી અને મહેનતનું પરિણામ હંમેશા ફળદાયી હોય છે, ત્યારે સમયનું યોગ્ય આયોજન કરી અને શાંત ચિત્તે અભ્યાસ કરતા રહો અને પોતાની ક્ષમતામાં વિશ્વાસ રાખજો, દરેક પરીક્ષા સફળતા અને શ્રેષ્ઠ પરિણામો લઈને આવે તેવી શુભેચ્છાઓ