આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની ગણતરી ઉપર પાણી ફેરવ્યુ: મોવડી મંડળમાં મોકલ્યુ
તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થતા તમામ જગ્યાએ કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. આ ચૂંટણી પરિણામોથી ભલભલા રાજકીય પંડિતો પણ ગણતરીમાં થાપ ખાઈ ગયા છે. ત્યારે કોંગ્રેસના પરાજય બાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કાર્યભાર સાંભળતા હિંમતભાઈ કટારિયાએ હાર ની જવાબદારી સ્વીકારી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે.
આ બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારિયાના જણાવ્યા મુજબ જિલ્લા પંચાયતમાં અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસને મળેલા સારા અને પીઢ ઉમેદવારો તેમજ કાર્યકરોની મહેનત છતાં ધાર્યું પરિણામ કોંગ્રેસ મેળવી શકી નથી. જેના કારણો માટે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ જીત મેળવી શકે તેવી બેઠકો ઉપર સત્તાનો દુરુપયોગ કરીને જીત મેળવી હોવાનું તેમજ મોટાભાગની બેઠકો ઉપર આમ આદમીના ઉમેદવારોના કારણે કોંગ્રેસના મતોનું વિભાજન થતા કોંગ્રેસના સક્ષમ ઉમેદવારો જીતવા માટે નિષ્ફળ બન્યા હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે કોંગ્રેસની હાર માટે નૈતિક જવાબદારી સ્વીકારી પ્રદેશ સમિતિને રાજીનામુ મોકલ્યું હોવાનું તેમજ પ્રદેશ ખાતે જે નિર્ણય લેવામાં આવે તે સ્વીકારવા માટે જણાવી કોંગ્રેસના કાર્યકર તરીકે હંમેશા જોડાઈ રહેવાનું જણાવ્યું હતું.