ગંભીર હાલતમાં ધવાયેલ યુવકનું હોસ્પિટલે પહોંચતા પહેલા જ મોત : ઘટનાને પગલે લોકોમાં રોષ અને તંગદિલીનો માહોલ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે પ્રેમ પ્રકરણને લઈને એક 26 વર્ષીય યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોવાની આશંકા વચ્ચે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ગંભીર રીતે ઘવાયેલ હાલતમાં મળી આવેલ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલ ખાતે પહોંચતાં પહેલાં જ યુવકનું મોત નિપજ્યું હતું. ઘટનાને લઈને આ વિસ્તારમાં તંગદિલી નો માહોલ સર્જાયો હતો. અને પોલીસ દ્વારા બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બનાવમાં સૂત્રોમાંથી મળતી વિગત મુજબ સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક આવેલી વિરાણી હાઈસ્કૂલ પાસે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા જાણ થતાં તેને તાત્કાલિક સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલાં જ યુવકનું મોત નિપજ્યું હતું.
મૃતકની ઓળખ નિલેશ રમેશ ચુડાસમા (ઉંમર 26 વર્ષ) તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતક યુવકને પ્રેમ સંબંધને લઈ કેટલાક લોકોએ ઢોર માર માર્યો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ દ્વારા મૃતદેહને આગળની કાર્યવાહી માટે ભાવનગર ફોરેન્સિક વિભાગ ખાતે પોસ્ટમોર્ટમ (પી.એમ.) માટે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને સાવર કુંડલા પોલીસ દ્વારા ગંભીરતાથી તપાસ ચાલી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમો કાર્યરત કરવામાં આવી છે.આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. અને લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને કાયદો પોતાના હાથમાં ન લેવા અપીલ કરી છે.