પીજીવીસીએલના અધિકારીઓની ખાનગી કંપનીઓ સાથે મિલીભગત કે આંખ આડા કાન.! લોકોમાં ચિંતાનો માહોલ
પ્રાપ્ત વિગત મુજબ યાત્રાધામ વીરપુરમાં પીજીવીસીએલ (ઙૠટઈક)ના નામે લોકોના ઘરોમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને ખાનગી કંપનીનો સ્માર્ટ મીટર સર્વે કરતી યુવકોની એક ટોળકીનો જાગૃત નાગરિકો દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળ્યો છે,છેલ્લા ત્રણ ચાર દિવસથી કેટલાક યુવકોની ટોળકી પીજીવીસીએલના સર્વે હોવાનું જણાવીને લોકોને વિશ્વાસમાં લીધા વગર જ તેમના ઘરોમાં સર્વેના બહાને ઘૂસી જતી હતી, જ્યારે જાગૃત લોકોએ આ યુવકોને પૂછપરછ કરી કે તેઓ શાનો સર્વે કરી રહ્યા છે, ત્યારે યુવકોએ લોકોને ગેરમાર્ગે દોરતા જણાવ્યું હતું કે,તમારું ગામ વીરપુર અગાઉ પીજીવીસીએલના ગોંડલ ડિવિઝનમાં હતું, જે હવે પીજીવીસીએલના જેતપુર ડિવિઝનમાં આવ્યું છે, તેથી અમે જેતપુર ડિવિઝનની સર્વિસ કેવી છે તેનો સર્વે કરી રહ્યા છીએ.
જાગૃત નાગરિકો દ્વારા તપાસ દરમિયાન બહાર આવ્યું કે આ યુવકો પીજીવીસીએલના નામે નહીં, પરંતુ ખરેખર એક ખાનગી ઈડીએફ (ઊઉઋ) કંપની તેમજ સતવા વ્યૂમન કંપનીના સ્માર્ટ મીટરનો સર્વે કરી રહ્યા હતા અને લોકોને અંધારામાં રાખી રહ્યા હતા, જાગૃત લોકોએ આ યુવકો પાસે અધિકૃત ઓળખપત્ર (આઈ-કાર્ડ) માંગતા તેમની પાસે પીજીવીસીએલ કે કોઈપણ ખાનગી કંપની દ્વારા નિયુક્ત કરાયેલા હોવાના કોઈ જ દસ્તાવેજ કે આઈ-કાર્ડ ન હતા, સ્થાનિક લોકો દ્વારા સ્માર્ટ મીટરના સર્વેનો ઉગ્ર વિરોધ કરવામાં આવતા અને સવાલોનો મારો ચલાવતા જ આ યુવકો સર્વે અધૂરો મૂકીને ત્યાંથી નાસી છૂટ્યા હતા.
વીરપુરના સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અજાણી વ્યક્તિઓ ઘરમાં પ્રવેશે ત્યારે તેમના ઓળખપત્રની ચકાસણી કરવી અત્યંત જરૂરી છે. સ્થાનિક પ્રશાસન અને પીજીવીસીએલ તંત્ર દ્વારા આવા બનાવ અટકાવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને ગેરકાયદેસર સર્વે કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
આ બાબતે પીજીવીસીએલ ગોંડલ ડેપ્યુટી ઈજનેર જયકુમાર રાવલ અને પીજીવીસીએલ વીરપુર ડિવિઝનના ડેપ્યુટી ઈજનેરને ધરતી દતાંણીને ટેલિફોનિક પૂછતાં તેમણે જણાવ્યું હતું કે પીજીવીસીએલ દ્વારા ઈડીએફ ખાનગી કંપનીને સ્માર્ટ મીટર સર્વેનો કોન્ટ્રાક્ટ આપેલ છે અને આ ઈડીએફ કંપનીએ આ સર્વેનો કોન્ટ્રાક્ટ પેટામાં સતવા વ્યૂમન કંપનીને આપેલ હોય આ ખાનગી કંપનીઓને સ્માર્ટ મીટરનો જ સર્વે કરવાનો હોય છે પરંતુ વીરપુરમાં અમને જાણ થઈ છે કે આ કંપનીના માણસો પીજીવીસીએલના નામે ખોટું બોલીને સર્વે કરી રહ્યા છે તેમના પર અમે કાર્યવાહી હાથ ધરશું, પરંતુ અહીંયા જોવાનુંએ રહ્યું કે વીરપુરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી આ ખાનગી કંપનીના માણસો પીજીવીસીએલના નામે લોકોને ખોટું જણાવીને લોકોના ઘરમાં ઘૂસીને સર્વે કર્યો છે તેમની પર કેવી કાર્યવાહી થશે તે બાબતે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓએ પણ મૌન સેવી લીધું હતું.જેમને લઈને લોકોમુખે ચર્ચાઓ જાગી છે પીજીવીસીએલના અધિકારીઓની ખાનગી કંપનીઓ સાથે મિલીભગત કે આંખ આડા કાન.!