કેશોદની શિવ એન્ટરપ્રાઇઝના માલિક સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
કેશોદના એક વેપારી પાસેથી કેશોદની જ એક પેઢીના માલિકે રૂ. 54.45 લાખના સીંગદાણાનો માલ ખરીદી, બાદમાં પેમેન્ટ નહીં કરી, છેતરપિંડી આચરી હોવાની.કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ, કેશોદમાં રાધે ઈન્ડસ્ટ્રીઝ નામે મગફળી, સિંગદાણા અને કઠોળનો વેપાર કરતા આશિષ ધીરૂભાઇ કોટડીયા એ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર, આરોપી એવા કેશોદની શિવ એન્ટરપ્રાઇઝના માલિક કાંતિભાઈ જેરામભાઈ ગામી સાથે તેઓને વ્યવસાયિક સંબંધોમાં હતા. જેથી કાંતિભાઈ ગામીએ વર્ષ 2015 થી 2016 કુલ રૂ. 1,11,68,434 નો સીંગદાણાનો માલ ખરીદ્યો હતો. અને સમયાંતરે કાંતિભાઈ ગામીએ પેમેન્ટ પેટે રૂ. 57,22,900 રૂપિયા ચુકવ્યા હતા, જ્યારે બાકી નીકળતા રૂ. 54,45,534 આજદિન સુધી ચૂકવેલ નથી. જે બાકી રકમ માટે આશિષભાઈ દ્વારા ઉઘરાણી કરતા આરોપી વેપારી દ્વારા વાયદાઓ આપી, સમય પસાર કરતા હતા. અને પોતાની રકમ પરત ન મળતા અને વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા ફરિયાદી આશિષભાઈ કોટડીયા એ આરોપી એવા કેશોદની શિવ એન્ટરપ્રાઈઝના માલિક કાંતિભાઈ જેરામભાઈ ગામી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે છેતરપિંડી, વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.