કારને બચાવવા જતા ટેમ્પો પલ્ટી મારી જતા સર્જાયો અક્સ્માત
રાજકોટ-ભાવનગર હાઇવે પર ફરી એકવાર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કાળીપાટ ગામ નજીક રાજ ખોડલ હોટલ પાસે યુ-ટર્ન લઈ રહેલી એક ફોર વ્હીલરને બચાવવા જતાં ટાટા કંપનીનું મીની આઈસર (માલવાહક વાહન) પલ્ટી ખાઈ જતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી.. આ અકસ્માતમાં ભીમાભાઈ અમરશીભાઈ મકવાણા (ઉંમર વર્ષ 55, રહે. દહીંસરા તાલુકો જસદણ) નામના આધેડનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે સુરત રહેતા એક જ પરિવારના 6 સભ્યો સહિત કુલ 11 લોકો લોહીલુહાણ થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જીજે.03. બીવાય.5551 નંબરનું મીની આઈસર જેવું માલવાહક વાહન મુસાફરો અને દૂધના કેન લઈને પસાર થઈ રહ્યું હતું. આ સમયે હાઈવે પર એક કાર ચાલકે અચાનક યુ-ટર્ન લેતા, તેને બચાવવાના પ્રયાસમાં ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે વાહન પલ્ટી મારી જતાં ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી ભીમાભાઇ મકવાણાનું હોસ્પિટલ ખસેડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ અકસ્માતમાં સૌથી વધુ અસર સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ચોવસીયા પરિવારને થઈ છે. મૂળ જસદણના દહીસરા ગામના વતની અને હાલ સુરત રહેતા જીતેશભાઈ ધીરુભાઈ ચોવસીયા (ઉ.વ. 27), તેમના પત્ની અંજલીબેન (ઉ.વ. 25) અને તેમના ચાર સંતાનો – મિતલ (ઉંમર વર્ષ 8), નતાશા (ઉંમર વર્ષ 7), અનુસ (ઉંમર વર્ષ 5) અને કાર્તિક (ઉંમર વર્ષ 5) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
ઈજાગ્રસ્ત અંજલીબેન ચોવસીયા ભાડલા ગામે પોતાના પિયર આવ્યા હતા. ત્યાંથી તેઓ પોતાના પતિ અને બાળકો સાથે માલવાહક વાહનમાં બેસી રાજકોટ આવવા નીકળ્યા હતા. -મર રાજકોટથી તેઓ ખાનગી ટ્રાવેલ્સની બસ પકડી સુરત જવાના હતા. જોકે, સુરત પહોંચે તે પહેલા જ કાળીપાટ પાસે આ તેમાં કાળમુખો અકસ્માત નડતા હસતો રમતો પરિવાર હોસ્પિટલ પહોંચી ગયો હતો.
પોલીસ કાર્યવાહી અને હોસ્પિટલની સ્થિતિ બનાવની જાણ થતા જ આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ
ધરી છે. ટેમ્પો ચાલક માંડલભાઈ ગુંજાભાઈ માંડ (રહે. વડાળી) પણ ઈજાગ્રસ્ત થતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે અકસ્માત અંગે વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવાની અને કોયદેસરના કાગળો તૈયાર કરવાની તજવીજ શરૂ કરી છે.