Jai Hind

રણકાંઠા વિસ્તારમાંથી દારૂ ભરેલી કાર પકડાઈ : બુટલેગરો ફરાર

કાર સહિત 6.56 લાખનો મુદ્દામાલ જપ્ત : ચાર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ

ધ્રાંગધ્રા તાલુકાના રણકાંઠા વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ છે. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને 6.56 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, બુટલેગરો કાર છોડીને ફરાર થઈ ગયા હતા.
તાલુકા પોલીસ મથકના ઇનચાર્જ પીઆઇ એન.એમ. ચુડાસમાને ગઈ સાંજે રણકાંઠા વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે વિક્રમભાઈ રબારી, યુવરાજસિંહ સોલંકી, નરેશભાઈ ભોજિયા, વીરપાલસિંહ સહિતના સ્ટાફે વચ્છરાજ બેટ નજીક વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન સંકાસ્પદ કાર નીકળતા પોલીસે તેનો પીછો કર્યો હતો. બુટલેગરો કુડા ગામ નજીક કાર મૂકીને નાસી છૂટ્યા હતા. પોલીસે કાર જપ્ત કરી હતી.
પોલીસે કારમાંથી વિદેશી દારૂની કુલ 763 બોટલ જપ્ત કરી હતી, જેની કિંમત 1,60,230 રૂપિયા છે. કારની કિંમત 4,00,000 રૂપિયા ગણવામાં આવી છે. આમ, કુલ 6,56,270 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે નાસી ગયેલા દેવો ઉર્ફે દેવરાજ (રહે: નરાળી), બે અજાણ્યા શખ્સો, પ્રવિણસિંહ ઝાલા (રહે: નડધ્રી) તથા દારૂ આપનાર શખ્સ સહિત ચાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.