Jai Hind

કલ્યાણપુરમાં મહિલાની હત્યા નિપજાવનારા પતિને આજીવન કારાવાસ તથા દંડની સજા

10 વર્ષ પૂર્વે બનેલી કરૂણ ઘટના બાદ પતિ દોષિત જાહેર

આશરે 10 વર્ષ પૂર્વે બનેલી હત્યાની ઘટનામાં પતિને દોષિત ઠેરવતો ચુકાદો આપી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. કલ્યાણપુર તાલુકાના નવા ખીજદડ ગામે વાડી વિસ્તારમાં એકલા રહેતા દેસુર જેસાભાઈ સુવા નામના યુવાનના પત્નીને સંતાન ન હતું. આ દંપતિ વચ્ચે અવારનવાર નાની-મોટી બાબતે બોલાચાલી થતી હતી.
આ વચ્ચે ગત તારીખ 6 એપ્રિલ 2016 ના રોજ સવારના આશરે 6 વાગ્યાના સમયે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હોય, જેના કારણે આરોપી પતિ દેસુર સુવાએ ઘાતક હથિયારો વડે પોતાના પત્ની ઉપર હુમલો કરી, માથાના તથા મોઢાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચાડતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના બાદ આરોપીએ પોતે પણ દવા પી લીધી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે આરોપીના પરિવારજન દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જે અન્વયે પોલીસે હત્યા સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી અને તપાસ બાદ આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્ર કરી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ અંગેનો કેસ દ્વારકાના એડિશનલ સેશન્સ કોર્ટના જજ શ્રી કે.જે. મોદી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં ફરિયાદી, મેડિકલ ઓફિસર, આઈ.ઓ. તથા અન્ય સાહેદોની જુબાની તેમજ જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી મુદ્દાસરની દલીલોને ધ્યાનમાં રાખી, નામદાર અદાલતે આરોપી દેસુર જેસાભાઈ સુવાને તકસીરવાન ઠેરવી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા તેમજ રૂ. 15,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.