Jai Hind

ભોરાસર સીમશાળામાં વાર્ષિક મહોત્સવની થઈ રંગારંગ ઉજવણી

નિવૃત્ત આર્મીમેનથી માંડીને રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પોરબંદરના સંગઠનના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત:વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ કરી રજુ

પોરબંદર નજીકના રાણાવાવ પાસે આવેલી શ્રી ભોરાસર સીમ શાળા ખાતે વાર્ષિક મહોત્સવની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી ભોરાસર સીમશાળા રાણાવાવ ખાતે દર વર્ષે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.ચાલુ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે નિવૃત આર્મીમેન અને હાલના દેવભૂમિ દ્વારકાના તાલુકા વિકાસ અધિકારી રાણાભાઇ ઓડેદરા, દેગામ મહેર સમાજના આગેવાન ભીમભાઇ સુંડાવદરા, નિવૃત આર્મીમેન યુનિયનના લાખણસીભાઈ ઓડેદરા, રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પોરબંદરના મહામંત્રી વિજયભાઈ કોડિયાતર, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પોરબંદરના સંગઠન મંત્રી મયુરસિંહ રાઠોડ,મહિલા ઉપાધ્યક્ષ જલ્પાબેન ગઢેચા, બિરલાના ઇન્સ્ટ્રુમેન ઇજનેર સચિનભાઈ લાખાણી વગેરે ઉપસ્થિત રહી દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકેલ હતો. દિપ પ્રાગટય બાદ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી અને શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.વાર્ષિક મહોત્સવમાં વિધાર્થીઓએ કુલ 15 જેટલી કૃતિઓ રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભીમભાઇ સુંડાવદરા,રાણાભાઇ ઓડેદરા,મયુરસિંહ રાઠોડ વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કરી શાળા અને વિધાર્થીઓની કામગીરીને બિરદાવેલ છે. કાર્યક્રમમાં શાળામાં નવરાત્રી રાસોત્સવમાં વેલ ડ્રેસ અને બેસ્ટ પ્લેયર, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પાસ કરનાર,સી.ઈ.ટી.કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષામાં મેરીટમાં આવનાર, ધોરણ વાઇજ હાજરીમાં પ્રથમ નંબર આવનાર, મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષામાં મેરીટમાં આવનાર,એન.એમ.એમ.એસ.પરીક્ષા પાસ કરનાર, પર્યાવરણ મિત્ર વગેરે જેવી પ્રવૃતિઓમા શ્રેષ્ઠ દેખાવ કરનાર વિધાર્થીઓનું આમંત્રિત મહેમાનો મારફત શિલ્ડ આપી સન્માનિત કરેલ હતા. સાથે સાથે શાળામાં હર હંમેશા મદદરૂપ થનાર,પરષોત્તમ ટુકડીયા, લાલજી ભુવા, માવાભાઈ શિંગડિયાનું શાલ ઓઢાડી અને શાળાના તમામ શિક્ષકો અને અન્ય રીતે સેવા આપનારનું પણ શાળા વ્યવસ્થાપન સમિતિ મારફત મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ધો-8 ના વિધાર્થીઓને વિદાય આપી ઉજ્વળ ભાવિ અંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી.કાર્યક્રમનું સંચાલન શિક્ષક અરજણભાઇ વરૂ,હાર્દિકભાઈ ઓઝાએ કરેલ હતું.કાર્યક્રમને સફળ બનાવવા તમામ શિક્ષકો, ટ્રાન્સપોર્ટેશન વાહન માલિકો,સીમ વિસ્તારના વાલીઓએ જહેમત ઉઠાવી હતી.શાળા વ્યવસ્થાપન સમિતિ શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવવતી અધ્યક્ષ રામદેભાઈ ઓડેદરા અને આચાર્ય લાખાભાઈ સુંડાવદરા એ તમામનો આભાર માનેલ હતો.