ઓનલાઈન પેમેન્ટ સીધું લાભાર્થીના ખાતામાં જમા આપી ધારી ડીએફઓ વિકાસ યાદવ અને જશાધાર આરએફઓ કે.સી. ચૌહાણની ત્વરિત કાર્યવાહી
ગીર પંથકમાં માનવ-વન્યજીવ સંઘર્ષની હૃદયદ્રાવક ઘટનામાં ઉના તાલુકાના ડમાસા વાડી વિસ્તારમાં ગત તા. 25 એપ્રિલના રોજ સિંહે માતાની નજર સામે જ 4 વર્ષની માસૂમ બાળકી હેમાંશી પામકનો જીવ લઈ લીધો હતો. આ કરુણ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો હતો.
ઘટનાની વિગત મુજબ, ડમાસા ગામના વાડી વિસ્તાર માં રહેતા જુવલભાઈ પામકની 4 વર્ષની દીકરી હેમાંશી સાંજના સમયે ઘરની ઓસરીમાં માતા સવિતાબેન સાથે બેઠી હતી. સવિતાબેન નાના દીકરાને તાવની દવા આપી રહ્યા હતા ત્યારે જ અચાનક સિંહ ત્રાટક્યો અને હેમાંશીને જડબામાં દબોચી લઈ ગયો. માતા કંઈ સમજે કે બૂમ પાડે તે પહેલાં જ સિંહ માસૂમને ઉઠાવીને નજીકના ખેતરમાં અદ્રશ્ય થઈ ગયો. ગામલોકોએ લાકડીઓ લઈને શોધખોળ કરતા સિંહ બાળકીના ક્ષત-વિક્ષત મૃતદેહને છોડીને નાસી છૂટ્યો હતો. આ દુ:ખદ ઘટના બાદ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી આખી રાત દરમિયાન સિંહનું લોકેશન શોધી તેને પાંજરે પુરી સજા રૂપે અન્યત્ર રવાના કરી દીધો હતો.
હેમાંશીનો પરિવાર અત્યંત ગરીબ શ્રમિક વર્ગમાંથી આવતો હોવાથી ધારી રેન્જના ડીએફઓ વિકાસ યાદવ અને જશાધાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે.સી. ચૌહાણે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. બંને અધિકારીઓએ તાત્કાલિક ધોરણે કેસ કાગળની કાર્યવાહી પૂર્ણ કરી વન્યપ્રાણી હુમલામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને સરકાર દ્વારા મળવાપાત્ર 10 લાખ રૂપિયાની સહાય મંજૂર કરી હતી વન વિભાગની સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ આપતાં આ સમગ્ર રકમ ઓનલાઈન પેમેન્ટ દ્વારા સીધી જ હેમાંશીના પિતા જુવલભાઈ પામકના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવી છે. સામાન્ય રીતે સરકારી સહાય મળવામાં મહિનાઓ નીકળી જતા હોય છે, પરંતુ આ કિસ્સામાં અધિકારીઓની ત્વરિત અને ઉમદા કામગીરીના કારણે ગણતરીના દિવસોમાં જ પીડિત પરિવારને આર્થિક મદદ મળી શકી છે.
ડીએફઓ વિકાસ યાદવ અને આરએફઓ કે.સી. ચૌહાણની આ સંવેદનશીલ કામગીરીને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે. સમયસર મળેલી સહાય થી શોકાતુર પરિવારને આર્થિક ટેકો મળ્યો છે.